ભારત મંડપમમાં કોણાર્ક ચક્ર સામે વૈશ્વિક નેતાઓનું સ્વાગત

ઇન્ડિયાનું નામ બદલવાના વાદ-વિવાદ વચ્ચે G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગળ દેશનું નામ ‘ભારત’ લખેલું જોવા મળ્યું છે. કોઈ દેશમાં સત્તાવાર મીટિંગમાં દરમિયાન જે તે દેશના વડાની આગળ તેમના દેશના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વખતે વડાપ્રધાન મોદીની સામે અંગ્રેજીમાં ‘ઇન્ડિયા’ને બદલે ‘ભારત’ લખેલું જોવા મળ્યું છે, જે ફરી એકવાર દેશનું નામ બદલવાની ચર્ચાને બળ આપી રહ્યું છે. જોકે, આ અંગે સરકારે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી.

પ્રેસિડેન્ટ દ્રૌપદી મૂર્મૂ દ્વારા ગત મંગળવારે G20 ડિનર માટે મોકલવામાં આવેલા આમંત્રણમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ને બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ નામનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આ વિવાદ થયો હતો. વિરોધ પક્ષોએ મોદી સરકારના આ કામનો જોરદાર વિરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ બુધવારે તેમના કેબિનેટ સાથીદારોને ‘ભારત’ મુદ્દે રાજકીય વિવાદ ટાળવા જણાવ્યું હતું. પીએમ મોદીએ કેન્દ્રીય કેબિનેટ સાથેની તેમની વાતચીત દરમિયાન આ મુદ્દાઓ પર વાત કરી, જેમાં તેમણે તેમના નેતાઓને કહ્યું કે આગામી G20 સમિટ દરમિયાન તેમણે શું કરવું અને શું ન કરવું જોઈએ.

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નેતાઓ માટે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના રોકાણ દરમિયાન તેમને સોંપવામાં આવેલી ફરજોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી મુલાકાત લેનાર મહાનુભાવોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરી શકાય. ભારતની અધ્યક્ષતામાં 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G20 સમિટ યોજાઈ રહી છે. આ સમય દરમિયાન, યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેન સહિત વિશ્વભરના ઘણા દેશોના વડાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.

LEAVE A REPLY

seventeen + 12 =