n1
n3

નવી દિલ્હીમાં શનિવારથી બે દિવસીય જી20 સમિટ શરૂ થઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે મોરોક્કોમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ દુઃખની ઘડીમાં આપણે મોરોક્કોની સાથે છીએ અને તેમને દરેક શક્ય મદદ કરીશું.

આ પછી વડાપ્રધાન મોદીએ આફ્રિકન યુનિયનને જી20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ સમિટમાં પહોંચેલા આફ્રિકન યુનિયનના વડા અજાલી અસોમાની વડાપ્રધાન મોદીને ભેટી પડ્યા હતા. આફ્રિકન યુનિયનને જી20માં સામેલ કરવા બદલ ચીન અને યુરોપિયન યુનિયને પણ ભારતનું સમર્થન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, હું તમારા બધાની સંમતિથી આગળની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં આફ્રિકન યુનિયનના અધ્યક્ષને જાણ કરવા ઇચ્છુ છું. જી20ના કાયમી સભ્ય તરીકે હું તમને તમારું સ્થાન લેવા આમંત્રણ આપું છું. ગ્લોબલ સાઉથનું અગ્રણી ગ્રુપ આફ્રિકન યુનિયન પણ G20માં જોડાયું છે.

પીએમ મોદીના પ્રસ્તાવને તમામ સભ્ય દેશોએ સ્વીકારી લીધો છે. સમિટમાં વૈશ્વિક નેતાઓની તાળીઓના ગડગડાટ વચ્ચે મોદીએ કહ્યું, તમારા બધાના સમર્થનથી હું આફ્રિકન યુનિયનને G20માં સામેલ થવાનું આમંત્રણ આપું છું. એ પછી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર આફ્રિકન યુનિયન (AU)ના અધ્યક્ષ અજાલી અસોમાનીને જી-20ના ટેબલ પર તેમનું સ્થાન લેવા માટે લઈ ગયા હતા. AU એક પ્રભાવશાળી સંગઠન છે, જેમાં 55 સભ્યદેશોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીએ તેમના પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે, 21મી સદી દુનિયાને એક નવી દિશા આપવા જઈ રહી છે. કોરોના પછી વિશ્વમાં વિશ્વાસનું સંકટ ઊભું થયું. યુક્રેન યુદ્ધે આ સંકટને વધુ ઘેરું બનાવ્યું. જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ તો પરસ્પર ચર્ચા દ્વારા વિશ્વાસના આ સંકટને પણ દૂર કરી શકીએ છીએ. આ સમય બધાએ સાથે મળીને આગળ વધવાનો છે. તેમણે વિશ્વમાં ‘આત્મવિશ્વાસની કટોકટી’ ગણાવતાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસનો મંત્ર આપ્યો હતો. મોદીએ કહ્યું, આ એ સમય છે જ્યારે વર્ષો જૂના પડકારો આપણી પાસેથી નવા સમાધાન માગી રહ્યા છે, માટે આપણે માનવશાંતિના અભિગમ સાથે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવાનું છે. આ સમય આપણા બધા માટે સાથે મળીને ચાલવાનો છે. એટલા માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસનો મંત્ર આપણા બધા માટે માર્ગદર્શક બની શકે છે.

તેમણે કહ્યું હતું કે આજે આપણે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ આવેલો છે. એના પર લખાયેલું છે કે માનવતાનું કલ્યાણ હંમેશાં નક્કી કરવામાં આવે. અઢી હજાર વર્ષ પહેલાં ભારતની ધરતીએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો. 21મી સદીનો આ સમય સમગ્ર વિશ્વને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે. દુનિયા આપણી પાસેથી નવા ઉકેલની માગ કરી રહી છે, તેથી આપણે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવાનું છે.

LEAVE A REPLY

3 × 1 =