India calls for rooting out terrorism at SCO meeting
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે નવી દિલ્હીમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લીધો હતો. છે. સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા. (ANI Photo/ Jitender Gupta)

પાકિસ્તાન અને ચીનનો દેખિતો ઉલ્લેખ કરીને ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સભ્યો દેશોને ત્રાસવાદના સમર્થકોની જવાબદારી નક્કી કરવાની હાકલ કરી હતી તથા આ ગ્રૂપના દેશોના સાર્વભૌમત્વ અને અખંડિતાતનું સન્માન કરવા પ્રાદેશિક સહકારનું માળખું તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.

ભારતના સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેએ પત્રકારોને જણાવ્યું હતું કે તમામ સભ્ય રાષ્ટ્રો ત્રાસવાદનો સામનો અને વિવિધ દેશોમાં નબળા વર્ગની સુરક્ષા સહિતના વિવિધ ક્ષેત્રો પર સર્વસંમતિ પર પહોંચ્યા છે. તમામ સભ્ય દેશો તેમના નિવેદનોમાં એકમત હતા કે આતંકવાદ, તેના તમામ સ્વરૂપોમાં નિંદાને પાત્ર છે અને નાબૂદ થવો જોઈએ.
ચર્ચા-વિચારણાના અંતે SCOના તમામ સભ્ય દેશોએ એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં પ્રદેશને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાની તેમની સામૂહિક ઇચ્છા વ્યક્ત કરી હતી.

SCO દેશોના સંરક્ષણ પ્રધાનની બેઠકની અધ્યક્ષતા કરતાં રાજનાથે જણાવ્યું હતું કે ભારત પ્રાદેશિક સહયોગના એક એવા મજબૂત માળખાની કલ્પના કરે છે, જે તમામ સભ્ય દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું પરસ્પર આદર કરે. આ બેઠકમાં ચીનના સંરક્ષણ પ્રધાન લી શાંગફુ પણ હાજર રહ્યાં હતાં. ભારત અને ચીન વચ્ચે ત્રણ વર્ષના સીમા વિવાદ વચ્ચે રાજનાથે આ ટીપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવી દિલ્હી જૂથના સભ્યો વચ્ચે “વિશ્વાસ અને સહકાર”ને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે, કારણ કે તે યુએન ચાર્ટરની જોગવાઈઓના આધારે શાંતિ અને સુરક્ષા જાળવવામાં માને છે.

પાકિસ્તાની રક્ષા પ્રધાન SCO કોન્ક્લેવમાં ભાગ લીધો ન હતો અને પાકિસ્તાનના વડાપ્રધાનના સંરક્ષણ બાબતોના વિશેષ સહાયક મલિક અહમદ ખાન વર્ચ્યુઅલ રીતે ચર્ચાવિચારણામાં જોડાયા હતા.

ત્રાસવાદને અસરકારક રીતે અંકુશમાં લેવાની બાબત પર ભાર મૂકીને સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું આતંકવાદી કૃત્ય અથવા તેને કોઈપણ સ્વરૂપમાં ટેકો આપવો તે માનવતા સામેનો મોટો ગુનો છે તથા શાંતિ અને સમૃદ્ધિ આ ખતરા સાથે એક સાથે રહી શકે નથી. જો કોઈ રાષ્ટ્ર આતંકવાદીઓને આશ્રય આપે છે, તો તે માત્ર અન્ય લોકો માટે જ નહીં, પરંતુ પોતાના માટે પણ ખતરો છે. યુવાનોનું કટ્ટરપંથીકરણ માત્ર સુરક્ષાના દૃષ્ટિકોણથી જ ચિંતાનું કારણ નથી, પરંતુ તે સમાજની સામાજિક-આર્થિક પ્રગતિ સામેનો પણ મોટો અવરોધ છે. જો આપણે SCOને વધુ મજબૂત અને વધુ વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવવા માંગીએ છીએ, તો આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવાની હોવી જોઈએ.

LEAVE A REPLY

five × 2 =