Khalistanis protest at Indian High Commission, India calls UK's
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘની સામેની પોલીસ કાર્યવાહી દરમિયાન રવિવાર, 19 માર્ચે પંજાબના અમૃતસરમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત કરાયા હતા. (PTI Photo)

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘ સામેની પંજાબ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવા લંડનમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ઇન્ડિયન હાઇ કમિશન પરથી ભારતીય ત્રિરંગો નીચે ઉતારી દેવાની ઘટનાની ભારતે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે સાંજે નવી દિલ્હીમાં યુકેના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ કર્યા હતા તથા લંડનમાં હાઇ કમિશન સંકુલમાં “સુરક્ષાના અભાવ” અંગે ખુલાસો માંગ્યો હતો. ભારતે ભારતીય રાજદ્વારીઓ અને કર્મચારીઓ પ્રત્યે યુકે સરકારની “ઉદાસીનતા”ને “અસ્વીકાર્ય” ગણાવી હતી.

લંડનમાં ઇન્ડિયન હાઇકમિશન સમક્ષ વિરોધી દેખાવો રવિવારે સાંજથી શરૂ થયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા સેલફોન વીડિયોમાં દેખાવકારો બિલ્ડિંગ પર ચડતા અને ભારતીય ધ્વજ નીચે લઈ જતા જોવા મળે છે.

વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટિન પાસેથી સુરક્ષાના સંપૂર્ણ અભાવ માટે સ્પષ્ટતા માગવામાં આવી છે. સુરક્ષાના અભાવે આવા તત્વો હાઈ કમિશન પરિસરમાં ઘુસ્યા હતા. યુકેના રાજદ્વારીને વિયેના સંધિ હેઠળ યુકે સરકારની મૂળભૂત જવાબદારીઓ વિશે યાદ અપાવવામાં આવી હતી. ભારતીય રાજદ્વારી પરિસર અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે યુકે સરકારની ઉદાસીનતા” “અસ્વીકાર્ય” છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે યુકે સરકાર આજની ઘટનામાં સંડોવાયેલા દરેકને ઓળખવા, ધરપકડ કરવા અને કાર્યવાહી કરવા માટે તાત્કાલિક પગલાં લેશે અને આવી ઘટનાઓના પુનરાવર્તનને રોકવા માટે કડક પગલાં લેશે તેવી અપેક્ષા છે.

ભારતમાં પંજાબ પોલિસે ખાલિસ્તાનની સમર્થક અમૃતપાલ સિંઘ સામે આકરી કાર્યવાહી ચાલુ કરી છે અને તેના 112 સમર્થકોની ધરપકડ કરી છે. અમૃતપાલને ફરાર જાહેર કરાયો છે. અગાઉ અમૃતપાલના સમર્થકોએ પંજાબના એક પોલીસ સ્ટેશન પર ખુલ્લી તલવારો અને બંદૂકો સાથે હુમલો કર્યો હતો અને પોતાના એક સમર્થકને છોડાવી ગયા હતા. આ ઘટનામાં છ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.

 

LEAVE A REPLY

two × 1 =