હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રવિવારે ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ 28 રનથી જીત્યા બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓ.(ANI Photo)

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે તેના ભારત પ્રવાસના આરંભે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે, રવિવારે (28 જાન્યુઆરી) ભારત સામે 28 રને વિજય હાંસલ કર્યો હતો. પહેલી ઈનિંગમાં ભારતે 190 રનની નોંધપાત્ર સરસાઈ મેળવી હોવા છતાં ઓલી પોપની શાનદાર સદીના પગલે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 420 રનનો લડાયક સ્કોર ખડકી દીધો હતો. એ પછી ભારતને બીજી ઈનિંગમાં વિજય માટે 231 રન કરવાના હતા, પણ ટીમ ફક્ત 202 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમના ટોપ ઓર્ડરના તમામ બેટર નિષ્ફળ ગયા હતા, કોઈ 40 રન સુધી પહોંચી શક્યો નહોતો.

ગુરૂવારે મેચના આરંભે ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી, પણ તેનો એ નિર્ણય સાર્થક નિવડ્યો નહોતો અને પહેલા જ દિવસે ટીમ ફક્ત 64.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમાં પણ એકમાત્ર સુકાની બેન સ્ટોક્સ 70 રન કરી શક્યો હતો, તે સિવાય કોઈ બેટર 30 રન સુધી પહોંચી શક્યો નહોતો. ભારત તરફથી જાડેજા અને અશ્વિને 3-3 તથા બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.

તેના જવાબમાં ભારતે પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ સાથે આરંભ કર્યો હતો અને એકંદરે 121 ઓવરમાં 436 રન કર્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલે તો 74 બોલમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે ઝમકદાર 80 રન કર્યા હતા. કે. એલ. રાહુલે 123 બોલમાં 86 અને રવીન્દ્ર જાડેજાએ 180 બોલમાં 87 રન કર્યા હતા. આ રીતે પહેલી ઈનિંગમાં ભારતને 190 રનની સરસાઈ મળી હતી.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં પણ ભારતે ટોપ ઓર્ડરની પાંચ વિકેટ તો 163 રનમાં ખેરવી નાખી હતી, પણ એ પછી ઓલી પોપ અને વિકેટકીપર બેન ફોક્સે 112 રનની ભાગીદારી કરી ટીમના મક્કમ વળતા પ્રતિકારના પાયા નાખ્યા હતા. ઓલી પોપ તો કમનસીબે ફક્ત ચાર રન માટે ડબલ સેન્ચુરી ચુકી ગયો હતો, તેણે 278 બોલની ઈનિંગમાં 196 રન દ્વારા ભારતીય બોલર્સને હંફાવ્યા હતા, તો બેન ફોક્સ અને ટોમ હાર્ટલીએ 34-34 તથા રેહાન એહમદે 53 બોલમાં 28 રન કરી ઓલી પોપને મહત્ત્વનો સાથ આપ્યો હતો. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 102.1 ઓવરમાં 420 રન કર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4, અશ્વિને 3, જાડેજાએ 2 અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.

ભારતની બીજી ઈનિંગની શરૂઆત જ નબળી રહી હતી અને 231 રનના ટાર્ગેટ સામે 107 રનમાં તો ટીમે ઓપનર્સ યશસ્વી જયસ્વાલ, સુકાની રોહિત શર્મા, શુભમન ગિલ અને શ્રેયસ ઐયર વિદાય થઈ ગયા હતા. વધુ 12 રનના ઉમેરા સાથે ભારતે 117 રનમાં તો 7 વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટ કીપર એસ. ભરત અને રવિચન્દ્રન અશ્વિને થોડો પ્રતિકાર કર્યો હતો, પણ આખરે ઈંગ્લેન્ડનો અણધાર્યો વિજય થયો હતો. નવોદિત સ્પિનર ટોમ હાર્ટલીએ 62 રનમાં સાત વિકેટ ઝડપી હતી અને ટીમના વિજયનો તે ઓલી પોપ સાથે મુખ્ય શિલ્પી બન્યો હતો. ઓલી પોપને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY

one × two =