ટી-20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતો નાલેશીભર્યો પરાજય થતા (ANI Photo)

ટી-20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતો નાલેશીભર્યો પરાજય થતા ભારતના ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં ક્યારેય નહીં હારવાનો ભારતના રેકોર્ડને આખરે કોહલીની આગેવાની હેઠળની ટીમે તોડ્યો હતો. પાકિસ્તાન સામે ભારત સતત છઠ્ઠી વખત ટી20 વર્લ્ડ કપ મેચમાં રમવા ઉતર્યું હતું. અગાઉ ભારતે પાંચ વખત ટી20 વર્લ્ડ કપમાં પાક. સામે અજેય રહ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 151 રન કર્યા હતા જેની સામે પાકિસ્તાનની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 17.5 ઓવરમાં ટાર્ગેટને સરળાથી પાર કરી લીધો હતો. કેપ્ટન બાબર આઝમે ભારત સામે વર્લ્ડ કપમાં જીત મેળવીને વર્ષોથી ભારત સામે હારનું મહેણું ભાંગી નાંખ્યું હતું. મોહમ્મદ રિઝવાન 55 બોલમાં 79 રન સાથે અણનમ રહ્યો હતો. કેપ્ટન બાબર આઝમે પણ 52 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી.

ટોસ જીતીને પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ લાઈન અપ પાક.ના ડાબોડી પેસર શાહીન શાહ આફ્રિદીની આક્રમક બોલિંગ સામે ફસડાઈ પડી હતી. પ્રથમ ઓવરના ચોથા બોલે રોહિત શર્મા આફ્રિદીના સ્વિંગ બોલને પરખવામાં થાપ ખાઈ ગયો હતો અને ખાતુ ખોલાવ્યા વગર એલબીડબલ્યુ આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર ઈનફોર્મ કે એલ રાહુલ પણ ત્રણ રન કરી આફ્રિકીનો શિકાર બન્યો હતો.

રોહિત શર્મા અને કે એલ રાહલુ સસ્તામાં આઉટ થઈ ગયા હતા અને શરૂઆતથી જ ભારતનો ફ્લૉપ શૉ રહ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતની જોડીએ 40 બોલમાં 53 રનની ભાગીદારી નોંધાવતા ભારતને મેચમાં પરત લાવવામાં મદદ કરી હતી. વિરાટ કોહલીએ ધૈર્યપૂર્વક રમતનું પ્રદર્શન કરતા 49 બોલમાં 57 રન ફટકાર્યા હતા. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને ઓપનર મોહમ્મદ રિઝવાન શરૂઆતથી અંત સુધી પીચ પર ઉભા રહી ટીમને જીત તરફ દોરી ગયા હતા. ભારતીય ટી20 ટીમના કેપ્ટન તરીકે કોહલીનો આ છેલ્લો વર્લ્ડ કપ છે જેમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે હારતા ભારતનો ટી20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રારંભ રહ્યો છે. હવે પછી 31 ઓક્ટોબરના ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે.

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમના બોલર્સ એક પણ વિકેટ નહીં લઈ શકતા તેમણે નિરાશ કર્યા હતા. ઝડપી બોલર્સ ઉપરાંત સ્પિનર્સ પણ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહતા. મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં સૌથી વધુ 43 રન આપ્યા હતા. જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર પણ વિકેટ લેવામાં સફળ રહ્યા નહતા. બીજી ઈનિંગમાં ભેજનું કારણ મુખ્ય રહ્યું હતું જેને લીધે બોલર્સને કોઈ ખાસ મદદ મળી નહતી.