(ANI Photo)

ભારત અને શ્રીલંકા વચ્ચે આશરે 40 વર્ષ પછી ફરી ફેરી સર્વિસનો પ્રારંભ થયો છે. શ્રીલંકામાં ગૃહયુદ્ધને આ સર્વિસ બંધ થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું ગણાવીને પ્રશંસા કરી હતી.

ફેરી સર્વિસના પુનઃપ્રારંભને આવકારતા શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે જણાવ્યું હતું કે તેનાથી બંને દેશો વચ્ચેની કનેક્ટિવિટી, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોમાં સુધારો કરવામાં મદદ મળશે. શ્રીલંકાના જાફ પ્રાંતના કાંકેસન્થુરાઈ અને તમિલનાડુના નાગાપટ્ટિનમ વચ્ચેની આ ફેરી સર્વિસનો ઉદ્દેશ્ય પ્રાચીનકાળના દરિયાઇ માર્ગને પુનર્જીવિત કરવાનો છે.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) દ્વારા સંચાલિત આ હાઈ-સ્પીડ ફેરીમાં 150 મુસાફરોની ક્ષમતા છે. તે દરિયાની સ્થિતિને આધારે લગભગ 3.5 કલાકમાં નાગાપટ્ટિનમ અને કાંકેસંથુરાઈ વચ્ચે લગભગ 110 કિમીનું અંતર કાપશે. પ્રથમ સફરમાં ચેરિયાપાણી નામનું જહાજ 50 મુસાફરો સાથે શ્રીલંકા ગયું હતું અને ટાપુ રાષ્ટ્રના મુસાફરો સાથે સાંજ સુધીમાં ભારત પરત ફરશે.

મોદીએ ભારત અને શ્રીલંકાને જોડતા પુલનો ઉલ્લેખ કરતી મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીના ગીત ‘સિંધુ નાધિં મિસાઈ’ને ટાંકીને જણાવ્યું હતું કે ફેરી સર્વિસ તમામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણોને જીવંત બનાવે છે. પ્રેસિડન્ટ વિક્રમસિંઘેની તાજેતરની મુલાકાત દરમિયાન, કનેક્ટિવિટીની થીમ સાથે આર્થિક ભાગીદારી માટે એક વિઝન દસ્તાવેજનો સ્વીકાર કરાયો હતો. આ કનેક્ટિવિટીથી વેપાર, પર્યટન અને લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થશે.

મોદીએ 2015માં તેમની શ્રીલંકા મુલાકાતને પણ યાદ કરી હતી. તે સમયે  દિલ્હી અને કોલંબો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. આ સેવા શરૂ કરવા માટે ભારત સરકારે તમિલનાડુ મેરીટાઇમ બોર્ડને નાગાપટ્ટિનમ બંદર પર સુવિધાઓ અપગ્રેડ કરવા માટે ટેકો આપ્યો હતો. તેવી જ રીતે શ્રીલંકાની સરકારે કાનકેસન્થુરાઈ બંદર પર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે.

 

LEAVE A REPLY

19 − 5 =