(ANI Photo)

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ રવિવારે પુરો થયો અને ભારતે પ્રવાસી ટીમને પાંચમી અને અંતિમ ટી-20માં અંતિમ તબક્કાના રોમાંચ પછી છ રને હરાવી સીરીઝમાં 4-1થી વિજય હાંસલ કર્યો હતો. નવોદિત સુકાની સૂર્યકુમાર યાદવ માટે આ સીરીઝ યશસ્વી રહી હતી.

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી મેચમાં વિકેટ બેટિંગ માટે સાનુકુળ નહોતી અને ઓસ્ટ્રેલિયાના સુકાની મેથ્યુ વેડે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ભારત તરફથી એકમાત્ર શ્રેયસ ઐયર સૌથી લાંબુ ટક્યો હતો અને તેણે 37 બોલમાં 53 રનનો સૌથી વધુ ફાળો આપ્યો હતો. ભારત 8 વિકેટે 160 રન સુધી પહોંચી શક્યું તેમાં ઐયરની ભૂમિકા મહત્ત્વની રહી હતી. તેના ઉપરાંત અક્ષર પટેલે 21 બોલમાં 31 અને જિતેશ શર્માએ 16 બોલમાં 24 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના બેહરેન્ડોર્ફ અને ડ્વારશુઈસે બે-બે તથા એરોન હાર્ડી, નાથન એલિસ અને તનવીર સંઘાએ એક-એક વિકેટ લીધી હતી.

જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ સારી તો નહોતી જ રહી. અર્શદીપ સિંઘે પહેલી ઓવરમાં 14 રન આપ્યા હતા, પણ એ પછી ત્રીજી ઓવરમાં તેના સ્થાને આવેલા મુકેશ કુમારી ઓપનર જોશ ફિલિપની વિકેટ ખેરવી હતી. પાંચમી ઓવરમાં રવિ બિશ્નોઈએ આક્રમત ઓપનર ટ્રેવિસ હેડની વિકેટ લીધી હતી. તો સાતમી ઓવરમાં, પોતાની બીજી ઓવરમાં બિશ્નોઈએ એરોન હાર્ડીને પેવેલિયન ભેગો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી બેન મેકડરમોટે સૌથી વધુ – 36 બોલમાં 54 રન કર્યા હતા અને એ મેદાન ઉપર હતો ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાનો વિજય નિશ્ચિત મનાતો હતો. તેની વિદાય પછી મેથ્યુ શોર્ટ અને મેથ્યુ વેડે બાજી સંભાળી હતી, પણ ઓસ્ટ્રેલિયાની 17મી ઓવરમાં મુકેશ કુમારે પહેલા મેથ્યુ શોર્ટ અને પછી બીજા જ બોલે ડ્વારશુઈસની વિકેટો ખેરવી તરખાટ મચાવ્યો હતો. તેના પગલે મેથ્યુ વેડ માટે પડકારજનક સ્થિતિ ઉભી થઈ હતી. છેલ્લી ઓવરમાં વિજય માટે ઓસ્ટ્રેલિયાને 10 રન કરવાના હતા ત્યારે અર્શદીપ સિંઘે ખૂબજ શાંતચિતે બોલિંગ કરી મેથ્યુ વેડની વિકટ પણ લીધી હતી અને ફક્ત ત્રણ રન આપતાં ભારતનો રોમાંચક વિજય થયો હતો.

ચોથી ટી-20માં ભારતનો 20 રને વિજયઃ શુક્રવારે (1 ડીસેમ્બર) રાયપુરમાં રમાયેલી ચોથી ટી-20માં ભારતનો 20 રને વિજય થયો હતો. ભારતે પહેલા બેટિંગ કરી 9 વિકેટે 174 રન કર્યા હતા. રીંકુ સિંઘે સૌથી વધુ, 29 બોલમાં 46 રન કર્યા હતા, તો યશસ્વી જયસ્વાલે 28 બોલમાં 37, જિતેશ શર્માએ 19 બોલમાં 35 અને ઋતુરાજ ગાયકવાડે 28 બોલમાં 32 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડ્વારશુઈસે 3, બેહરેનડોર્ફ અને સંઘાએ 2-2 તથા હાર્ડીએ એક વિકેટ લીધી હતી.

જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે ફક્ત 154 રન સુધી પહોંચી શક્યું હતું. સુકાની મેથ્યુ વેડ 23 બોલમાં 36 રન કરી અણનમ રહ્યો હતો, તો ટ્રેવિસ હેડે 31 અને મેથ્યુ શોર્ટે 22 રન કર્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 3, દીપક ચાહરે 2 અને રવિ બિશ્નોઈ તથા અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી.

મેક્સવેલની ઝંઝાવાતી સદીએ ભારતને ત્રીજી ટી-20માં હરાવ્યુઃ ગયા સપ્તાહે મંગળવારે (28 નવેમ્બર) ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે વિજય સાથે પાંચ ટી-20ની સીરીઝમાં પહેલા વિજય સાથે સીરીઝ જીવંત રાખી હતી.

ભારતે પહેલા બેટિંગ કરતાં ઓપનર ઋતુરાજ ગાયકવાડની સદી સાથે 3 વિકેટે 222 રન ખડકી દીધા હતા. ગાયકવાડ ઓપનિંગમાં આવી છેક સુધી અણનમ રહ્યો હતો અને તેણે 57 બોલમાં સાત છગ્ગા તથા 13 ચોગ્ગા સાથે 123 રન કર્યા હતા. ભારતની ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે છેલ્લી ઓવર નાંખી હતી અને તેમાં ભારતે, ખાસ કરીને ગાયકવાડે 30 રન ઝુડી નાખ્યા હતા. આ ઓવરને પહેલા જ બોલે ગાયકવાડે છગ્ગો ફટકારી તેની સદી પુરી કરી હતી. તેની ટી-20 કેરિયરની આ પ્રથમ સદી જો કે, મેક્સવેલના ઝંઝાવાત પછી એળે ગઈ હતી.

પણ ગ્લેન મેક્સવેલની ઝંઝાવાતી બેટિંગ અને 48 બોલમાં અણનમ 104 રનની ઈનિંગ સાથે ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે ચોગ્ગો સાથે જોરદાર વિજય હાંસલ કર્યો હતો. પ્રસિદ્ધ ક્રિષ્નાની એ છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 23 રન લીધા હતા, તો એ પહેલાની અક્ષર પટેલની ઓવરમાં મેક્સવેલ – મેથ્યુ વેડે 22 રન લઈ છેલ્લી બે ઓવરમાં 45 રન ઝુડી નાખ્યા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલ ઉપરાંત ટ્રેવિસ હેડે 35 અને મેથ્યુ વેડે અણનમ 28 રન કર્યા હતા, તો ભારત માટે પ્રસિદ્ધ ક્રિષ્ના સૌથી મોંધો સાબિત થયો હતો, તેણે ચાર ઓવરમાં 68 રન આપ્યા હતા અને એકપણ વિકેટ નહોતી મળી. રવિ બિશ્નોઈએ બે અને અક્ષર પટેલ, અવેશ ખાન તથા અર્શદીપે એક-એક વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

2 × 4 =