કોરોના વાયરસના કારણે એવિએશન સેક્ટરને સૌથી વધુ આર્થિક ફટકો વાગ્યો છે. મુસાફરોની સંખ્યા ઘટી જવાના કારણે ઇંડિગો એરલાઈન્સે પોતાના કર્મચારીઓના પગાર પર કાપ મુકવાનો નિર્ણય લીધો છે. દેશની ટોચની વિમાની સેવા કંપની ઇંડિગો એરલાઈન્સે પોતાના સીઈઓ સહિત અન્ય વરિષ્ઠ કર્મચારીઓના વેતનમાં ૨૫ ટકા સુધીનો કાપ મુકવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસ સંકટના કારણે એવિએશન સેક્ટર પર પડેલી વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને કંપનીના સીઈઓ રંજય દત્તાએ કંપનીની ‘એ’ અને ‘બી’ શ્રેણીના કર્મચારીઓને છોડીને બાકીના તમામ કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા પહેલી એપ્રિલ, ૨૦૨૦થી લાગુ થશે. ‘એ’ અને ‘બી’ શ્રેણીના કર્મચારીઓનું વેતન પહેલેથી જ ઓછું છે અને સૌથી વધારે કર્મચારીઓ આ શ્રેણી અંતર્ગત આવે છે.
તેમણે પોતે સૌથી વધારે ૨૫ ટકાનો પગાર કાપ લઈ રહ્યા હોવાની જાણકારી આપી હતી. સાથે જ વરિષ્ઠ ઉપાધ્યક્ષો (એસવીપી) કે તેનાથી ઉચ્ચ હોદ્દેદારોને ૨૦ ટકા, ઉપાધ્યક્ષો (વીપી) અને કોકપિટ દળના સદસ્યોને ૧૫ ટકા, સહાયક ઉપાધ્યક્ષો (એવીપી) ઉપરાંત ચાલક દળ અને ‘ડી’ શ્રેણીના કર્મચારીઓને ૧૦ ટકા અને ‘સી’ શ્રેણીના કર્મચારીઓને પાંચ ટકા પગાર કાપ લાગુ પડશે તેમ જાહેર કર્યું હતું.
તેમણે તમામ કર્મચારીઓને ઈમેઈલ કરીને કંપનીની આવકમાં ભારે મોટું ગાબડું પડવાના કારણે વિમાન ઉદ્યોગનું અસ્તિત્વ જોખમાયું હોવાનું અને રોકડ પ્રવાહને ધ્યાનમાં રાખીને નાણાંકીય સંકટનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.