REUTERS/Mohammed Salem

ઇઝરાયેલ અને હમાસના આશરે બે સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે ગાઝા ઉપરાંત સિરિયા અને વેસ્ટ બેન્કમાં હવાઇ હુમલા કરતાં યુદ્ધના બીજા મોરચા ખુલવાનું જોખમ ઊભું થયું હતું. બીજી તરફ ઈરાનના ટોચના રાજદ્વારી હોસૈન અમીર-અબ્દોલ્લાહિયાને ચેતવણી આપી હતી કે જો અમેરિકા અને ઈઝરાયેલ “ગાઝામાં નરસંહારને તાત્કાલિક બંધ નહીં કરે અથવા તો પ્રદેશની સ્થિતિ નિયંત્રણમાંથી બહાર થઈ જશે”. આની સામે અમેરિકાએ પણ ચેતવણી આપી હતી કે તે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં અને કોઇએ આ સ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં.

ઇઝરાયલના યુદ્ધવિમાનોએ શનિવારની રાત્રે અને રવિવારે સિરિયાના બે એરપોર્ટ અને વેસ્ટબેન્કની એક મસ્જિદ પર બોંબવર્ષા કરી હતી. મસ્જિદનો આતંકીઓ ઉપયોગ કરતાં હતા. યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલ અને લેબનોનના હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ વચ્ચે લગભગ દરરોજ એકબીજા પર હુમલા કરવામાં આવે છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઉત્તર ઇઝરાયેલમાં સૈનિકોને મળ્યાં હતા અને જણાવ્યું હતું કે જો હિઝબુલ્લા ઇઝરાયેલ સામે યુદ્ધ શરૂ કરશે, તો તે તેના જીવનની સૌથી મોટી ભૂલ હશે. અમે તેમને એટલી તાકાતથી તબાહ કરીશું કે તેને કલ્પના પણ નહીં હોય. લેબનોને પણ તેના વિનાશક પરિણામો ભોગવવા પડશે.

ઇઝરાયેલે દરિયાકાંઠાની પટ્ટીના દક્ષિણ ભાગ સહિત સમગ્ર ગાઝામાં ભારે હવાઈ હુમલા કર્યા હતા. ડેઇર અલ-બાલાહમાં અલ-અક્સા હોસ્પિટલમાં રવિવાર સવાર પછીથી આશરે 90 મૃતદેહો લાવવામાં આવ્યાં હતા. બાળકો, મહિલા સહિત 180 ઘાયલો પણ લાવવામાં આવ્યા હતા.

આ યુદ્ધમાં ઇઝરાયેલના ઓછામાં ઓછા 1,400 લોકોના મોત થયા છે અને આશરે 212 લોકોને બંધક બનાવામાં આવ્યાં છે. હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં ઓછામાં ઓછા 4,300 લોકોનો મોત થયા છે.

સીરિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર ઇઝરાયેલના હવાઈ હુમલાઓમાં રાજધાની દમાસ્કસ અને ઉત્તરીય શહેર અલેપ્પોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટાર્ગેટ કરાયા છે. હુમલાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને રન-વેને નુકસાન થયું હતું. તેથી ઉડ્ડયન સેવા બંધ થઈ હતી. લેબનોનમાં હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે શનિવારે તેના છ લડવૈયા માર્યા ગયા હતાં. જૂથના નાયબ નેતા શેખ નઇમ કાસેમે ચેતવણી આપી હતી કે જો ઇઝરાયેલ ગાઝામાં જમીની આક્રમણ શરૂ કરશે તો તેને મોટી કિંમત ચૂકવવી પડશે. રોકેટના જવાબમાં જવાબમાં ઈઝરાયેલે રવિવારે હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલો કર્યો કર્યો હતો. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલી સૈનિકો સાથેની અથડામણ,  90 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.  7 ઓક્ટોબર પછીથી 700થી વધુ પેલેસ્ટિનિયનોની ધરપકડ કરાઈ છે, જેમાં હમાસના 480 શંકાસ્પદ સભ્યોનો સમાવેશ થાય છે.

ઘણા દિવસોથી ઇઝરાયેલે ગાઝામાં ગ્રાઉન્ડ આક્રમણ શરૂ કરવાની તૈયારી કરી દીધી છે. સરહદ પર ટેન્કો અને હજારો સૈનિકો તૈનાત કર્યા છે અને મોટું ઓપરેશન હાથ ધરવાની અણી પર છે.

રવિવારે રાહત સામગ્રી સાથેની 17 ટ્રકોનાને ઇજિપ્તથી ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, ઇઝરાયેલે બે અઠવાડિયા પહેલા સંપૂર્ણ ઘેરો ઘાલ્યો પછી જ ગાઝાને આની સાથે બીજી વખત રાહત સામગ્રી મળે છે. ગાઝામાં વધતી જતી માનવતાવાદી કટોકટીને સંબોધવા માટે વધુ સહાયની જરૂરી છે.

 

LEAVE A REPLY