પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન)ના ક્લિનિકોને કારણે પુત્રની સરખામણીએ પુત્રીઓની સંખ્યા ઝડપથી ઓછી થઇ રહી હોવાના દાવા સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવાયું છે કે ગુજરાત અને સુરતમાં IVF ક્લિનિક ‘પુત્રપ્રાપ્તિ’ માટેના ધમધમતા કેન્દ્રો બની રહ્યા છે. તેમાં પુત્રીઓની ગર્ભમાં હત્યા કરાતી નથી, પરંતુ સંતાન તરીકે માત્ર પુત્રથી ઝંખના કરતા દંપતીની ઈચ્છાઓની પૂર્તિ કરવામાં આવે છે. તેમાં PCPNDT (પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસિસ ટેકનિક્સ એક્ટ)નો ભંગ કરવામાં આવી રહ્યો છે.’ જોકે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે ટકોર કરી હતી કે,‘તમારી પિટિશનનો આશય સારો છે, પરંતુ મુદ્દા અને દાદ અધકચરા અને અપૂરતા છે. તેથી નવેસર પિટિશન કરો.’

આ અંગે અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા તરફથી એડવોકેટ ઝુબીન ભરજા અને એડવોકેટ ધ્રુવિક પટેલ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી હતી કે ૨૦૧૧ પછી વસતી ગણતરી કરવામાં આવી નથી. સુરતમાં ૨૦૦૧માં ૧૦૦૦ છોકરાઓ સામે ૮૫૯ છોકરીઓ હતી. તે રેશિયો ઘટીને ૮૩૫ છોકરીઓનો થયો છે. જો આ ઘટતા રેશિયો ને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગર્લ ચાઇલ્ડ રહેશે જ નહીં. લગ્ન કરવા માટે છોકરીઓ પણ નહીં હોય. સુરતમાં  IVF ક્લિનિક બિલાડીના ટોપની જેમ ખુલી રહ્યા છે.