Details of King Charles III's grand coronation announced
King Charles (Photo by Hugo Burnand-Pool/Getty Images)

આગામી 6 મેના રોજ લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે 74 વર્ષીય કિંગ ચાર્લ્સ III માટે ધામધૂમથી ત્રણ દિવસીય ભવ્ય રાજ્યાભિષેક સમારોહની વધુ વિગતો બકિંગહામ પેલેસે રવિવારે જાહેર કરી હતી. આ પ્રસંગે બ્રિટનભરમાં કિંગ ચાર્લ્સ માટે ફ્લાય-પાસ્ટ અને વિન્ડસર કાસલ કોન્સર્ટ સાથે યુકે અને કોમનવેલ્થ દેશોમાં સ્ટ્રીટ પાર્ટીઓના આયોજનનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમમાં રાજવીને તેમની પત્ની, ક્વીન કોન્સોર્ટ કેમિલા સાથે ઔપચારિક રીતે રાજા તરીકે તાજ પહેરાવવામાં આવશે. લોંગ હોલીડે વિકેન્ડના આ કાર્યક્રમમાં લાખો લોકો જોડાય તેવી અપેક્ષા છે.

યુકેના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટના સેક્રેટરી મિશેલ ડોનેલને જણાવ્યું હતું કે ‘’આ કાર્યક્રમની અન્ય મુખ્ય વિશેષતા એ છે કે તે મેગા કોન્સર્ટ હશે જેમાં વૈશ્વિક મ્યુઝિક આઇકોન્સ, ઓર્કેસ્ટ્રા, વિવિધ ગાયક કલાકારો અને વિશ્વ વિખ્યાત એન્ટરટેઇનર્સ પોતાની કલા રજૂ કરશે. જેનું વિન્ડસર કાસલના મેદાન પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. યુકે અને કોમનવેલ્થના ઈતિહાસમાં મહામહિમ ધ કિંગ અને હર મેજેસ્ટી ધ ક્વીન કોન્સોર્ટનો રાજ્યાભિષેક એ એક વિશાળ સીમાચિહ્નરૂપ બની રહેશે. એ વિકેન્ડ લોકોને આપણી રાજાશાહી, પરંપરા, આધુનિકતા, સંસ્કૃતિ અને સમુદાયના મિશ્રણની ઉજવણી કરવા માટે એકસાથે લાવશે જે આપણા દેશને મહાન બનાવે છે.’’

રાજ્યાભિષેક શોભાયાત્રા બાદ શાહી પરિવાર બકિંગહામ પેલેસની બાલ્કનીમાં જનમેદનીને આવકારવા માટે એકત્ર થશે. વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ રાજ્યાભિષેક સેવામાં ઉપસ્થિત રહેશે.

પેલેસે જણાવ્યું હતું કે “અનોખા અને ઐતિહાસિક પ્રસંગ”નો અનુભવ કરવા માટે હજારો લોકો રાજધાની લંડનની મુલાકાત લે તેવી અપેક્ષા છે. તો બીજી તરફ લાખો લોકો ઘરેથી, યુકે અને વિશ્વભરમાં પ્રસંગને નિહાળશે. કોરોનેશન બિગ લંચ, હજારો સ્ટ્રીટ પાર્ટીઓ અને કોરોનેશન બેંક હોલીડે વિકેન્ડ સમગ્ર યુકેમાં સમુદાયોને એકસાથે લાવશે. રવિવાર તા. 7 મેના રોજ, વિન્ડસર કાસલ ખાતે અદભૂત કોરોનેશન કોન્સર્ટ સંગીત, થિયેટર અને નૃત્યમાં દેશના વિવિધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરશે. કોન્સર્ટના હાઇલાઇટ્સમાંનું એક ‘લાઇટિંગ અપ ધ નેશન’ હશે, જેમાં સમગ્ર યુકેમાં આઇકોનિક સ્થાનોને પ્રોજેક્શન્સ, લેસર, ડ્રોન ડિસ્પ્લે અને રોશનીથી પ્રકાશિત કરાશે.’’

કોરોનેશન કોન્સર્ટમાં હાજરી આપવા જાહેર મતદાન દ્વારા મફત ટિકિટ માટે પસંદગી કરશે. ઉજવણીનું વિકેન્ડ સોમવાર 8 મેના રોજ “બિગ હેલ્પ આઉટ” સાથે સમાપ્ત થશે.

બ્રિટનની અગ્રણી ચેરીટી સંસ્થાઓ અને ટુગેધર કોએલિશન દ્વારા આયોજીત “બિગ હેલ્પ આઉટ” કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમગ્ર યુકેના સમુદાયો પર વોલંટીયરીંગની સકારાત્મક અસરને પ્રકાશિત કરવાનો છે. જેમાં લોકોને તેમના ગમતા કાર્યો માટે વોલંટીયરીંગ કરવા અપીલ કરાશે.

સ્કાઉટ્સ, રોયલ વોલન્ટરી સર્વિસ અને નેશનલ ટ્રસ્ટ સહિત સ્થાનિક વોલંટીયરી જૂથો, સંસ્થાઓ અને ચેરીટી સંસ્થાઓ દ્વારા તે દિવસે વિવિધ પ્રવૃત્તિઓ કરાશે. આ પ્રસંગે કોરોનેશન બિગ લંચનું આયોજન કરાયું છે. રાજ્યાભિષેક સમારોહની ગૌરવપૂર્ણ ધાર્મિક સેવા છેલ્લા 900 વર્ષથી વેસ્ટમિંસ્ટર એબી ખાતે યોજાઇ રહી છે. છેલ્લો રાજ્યાભિષેક સમારોહ 70 વર્ષ પહેલાં જૂન 1953માં મહારાણી એલિઝાબેથ II નો કરાયો હતો.

ભવ્ય રાજ્યાભિષેકની ઝલક

 • આ પ્રસંગે મહારાજા ચાર્લ્સ અને રાણી કેમિલા ક્વીન એલિઝાબેથ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ગોલ્ડ સ્ટેટ કોચમાં એબીમાં આવશે અને ત્યાંથી બકિંગહામ પેલેસ સુધીની મુસાફરી કરશે.
 • રાજ્યાભિષેકની યોજનાઓમાં કિંગ ચાર્લ્સ “સક્રિયપણે સંકળાયેલા અને રોકાયેલા” છે.
 • ક્વીન કોન્સર્ટ કેમિલાને પણ રાજાની સાથે તાજ પહેરાવવામાં આવશે.
 • ચાર્લ્સ અગાઉના રાજાઓની જેમ સિલ્ક સ્ટોકિંગ્સ અને બ્રીચેસને બદલે લશ્કરી ગણવેશ પહેરશે.
 • કેન્ટરબરીના આર્કબિશપ દ્વારા આયોજિત સર્વિસમાં ચાર્લ્સ અને કેમિલાની તાજપોશીમાં 3,000 જેટલા VIP અને ચેરિટી પ્રતિનિધિઓ જોડાશે.
 • આ સમારોહ બે કલાક સુધી ચાલે તેવી અપેક્ષા છે.
 • રાજા અને રાણી સાથે એબીથી બકિંગહામ પેલેસ સુધીના શોભાયાત્રા અને બાલ્કનીમાં જોડાવા માટે રાજવી પરિવારના કયા સભ્યો સેવામાં હાજરી આપે છે તેના પર સૌની નજર રહેશે.
 • આરએએફ ફ્લાય-પાસ્ટનું આયોજન કરાયું છે.
 • શાહી વર્તુળોને ડર છે કે રાજ્યાભિષેકમાં ડ્યુક ઓફ સસેક્સ હેરી ને ડચેસ મેગનની હાજરી “સર્કસ” અને “વિક્ષેપ” સમાન હશે.
 • હેરી રાજ્યાભિષેક સેવામાં હાજરી આપશે તો પણ તેની કોઈ સત્તાવાર ભૂમિકા રહેશે નહીં.
 • અત્યાર સુધી કોઈ માહિતી જાહેર કરાઇ નથી કે શોભાયાત્રામાં અથવા બાલ્કનીમાં કોણ હીજર રહેશે.
 • આ કાર્યક્રમ બીબીસી પર પ્રસારિત કરાશે.
 • એક વધારાની બેંક હોલીડે 8 મેના રોજ આવશે.

LEAVE A REPLY