બ્રેડફર્ડમાં બ્રેડફર્ડ સિટી સેન્ટરમાં વેસ્ટગેટ પાસે પ્રામમાં પોતાના બાળકને લઇ જઇ રહેલી 27 વર્ષીય કુલસુમા અખ્તર પર તા. 7ને શનિવારે 3:20 કલાકે બપોરે જીવલેણ હુમલો કરી હત્યા કરવાની શંકાના આધારે તા. 9ના રોજ બકિંગહામશાયરના એલ્સ્બરીના 25 વર્ષીય હબીબુર માસુમની ધરપકડ કરવામાં આવી છે.
ગ્રેટર માન્ચેસ્ટરના ઓલ્ડહામમાં રહેતી શ્રીમતી અખ્તરના બાળકને કોઈ નુકસાન થયું ન હતું. વેસ્ટ યોર્કશાયર પોલીસની હોમિસાઈડ એન્ડ ઈન્ક્વાયરી ટીમના ડીટેક્ટીસ ચિફ ઈન્સ્પેક્ટર સ્ટેસી એટકિન્સને જણાવ્યું હતું કે આ હત્યાને પગલે અમે સમજીએ છીએ કે સ્થાનિક સમુદાયમાં નોંધપાત્ર ચિંતા થઈ છે.
શ્રીમતી અખ્તર પર હુમલો કરાતા ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી પરંતુ થોડા સમય પછી તેણીને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવી હતી. સોમવારે, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ અને વેસ્ટ યોર્કશાયર ફોર્સે પીડિતા સાથે અગાઉથી સંપર્કમાં હોવાથી આ અંગે ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC)ને જાણ કરી હતી.
આ અગાઉ 23 અને 24 નવેમ્બરે શ્રીમતી અખ્તર પર હુમલો કરવા અને મારી નાખવાની ધમકી આપવાના આરોપસર હત્યાના આરોપી માસુમને મેજિસ્ટ્રેટ દ્વારા ગત નવેમ્બરમાં જામીન આપવામાં આવ્યા હતા. જો કે તે ગુના તેણે નકાર્યા હતા.
પોલીસે સોમવારે જણાવ્યું હતું કે તેમણે ગુનેગારને મદદ કરવાની શંકાના આધારે ચેશાયરમાં એક 23 વર્ષીય વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.














