(Photo by JANE BARLOW/POOL/AFP via Getty Images)

મહારાણીના રાજ્યારોહણના અભૂતપૂર્વ 70 વર્ષની ઉજવણી પ્રસંગે સમગ્ર યુકેમાં વસતા અને જાહેર સેવા, પર્યાવરણ અને સસ્ટેઇનીબીલીટી અને યુવાનોના જોડાણ સહિત વિવિધ ક્ષેત્રે અવિશ્વસનીય જાહેર સેવા કામગીરી કરનારા અને ઉત્કૃષ્ટ યોગદાન આપનારા અગ્રણીઓથી લઇને આમ મહિલા-પુરૂષોને ધ ક્વીન્સ જ્યુબિલી બર્થડે ઓનર્સ પ્રસંગે વિવિધ એવોર્ડ્ઝ એનાયત કરી સન્માનવામાં આવ્યા છે.

104 વર્ષની ઉંમરના અને આ યાદીમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ બ્રિસ્ટોલ સ્કૂલ ઓફ ડાન્સિંગના સ્થાપક અને પ્રિન્સિપાલ એન્જેલા રેડગ્રેવને ડાન્સની સેવાઓ માટે તેમજ 80 વર્ષની વયના અને રોયલ બ્રિટિશ લીજનમાં 64 વર્ષથી સેવા આપતા ન્યૂપોર્ટના પેટ્રિશિયા એની હુસેલબીને BEM એવોર્ડ એનાયત કરાયો છે. માત્ર 11 વર્ષના જોડિયા ભાઇ બહેન એલેના અને રુબેન ઇવાન્સ-ગ્યુલેનને છેલ્લા ત્રણ વર્ષમાં NHS અને NHS-સંબંધિત સખાવતી સંસ્થાઓ માટે £50,000 એકત્ર કરવા બદલ BEM અપાયો છે. પુખ્ત વયના લોકોમાં સૌથી નાના – 22 વર્ષના એલેક્સ ગ્રિફિથ્સ, જેઓ માત્ર 5 વર્ષની ઉંમરથી પોતાની માતાના કેરર તરીકે સેવા આપતા હોવાથી BEM એનાયત કરાયો છે.

વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું હતું કે “આ ઐતિહાસિક પ્લેટિનમ જ્યુબિલી માત્ર મહારાણીની જ નહીં પરંતુ તેમની પાસે રહેલા ગુણોની પણ ઉજવણી છે. આ અઠવાડિયે તેમણે આપેલા સન્માનો તે ઘણા ગુણોને પ્રતિબિંબિત કરે છે, જે જીવનના વિવિધ ક્ષેત્રો અને સમગ્ર યુકેના સમુદાયો માટે અમૂલ્ય છે. હું આ વર્ષના તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપું છું. તેમની હિંમત અને કરુણાની વાતો આપણા બધા માટે પ્રેરણારૂપ છે.”

આ વખતે ત્રણ કમ્પેનિયન્સ ઑફ ઓનર પણ આપવામાં આવ્યા છે જે મેળવનારાઓમાં લેખક સર સલમાન રશ્દીને – તેમની સાહિત્યની સેવાઓ માટે; સર ક્વેન્ટિન બ્લેકને તેમના ચિત્રોની સેવાઓ માટે; અને ડેમ મરિના વોર્નરને તેમની માનવતાની સેવાઓ માટે એનાયત કરાયા છે.

ન્યુકિલીયર એન્જીનીયરીંગના વૈશ્વિક નિષ્ણાત, ડેમ સુસાન આયોનને ડેમ ગ્રાન્ડ ક્રોસ એવોર્ડ; ફોટોકેમિસ્ટ્રી અને સૌર ઉર્જા સંશોધનની સેવાઓ માટે પ્રોફેસર જેમ્સ ડ્યુરન્ટને CBE એવોર્ડ; એનર્જી અને ક્લાઈમેટ પોલિસીના પ્રોફેસર જ્હોન બેરેટને OBE અને વિજ્ઞાન પ્રત્યેની સેવાઓ અને આબોહવા પરિવર્તનની જાહેર સમજ માટે ડૉ. રિચાર્ડ ટીપરને MBE એનાયત કરાયો હતો.

પત્રકાર અને પ્રચારક એલેક્સિસ બોવટરને યુકેના નવા સ્ટેકિંગ કાયદાઓ અંગેની સક્રિયતા અને તેણીની એવોર્ડ વિજેતા કોમ્યુનિટી ઇન્ટરેસ્ટ કંપની, બીચ સ્કૂલ્સ સાઉથ વેસ્ટના કાર્યો માટે OBE એનાયત કરાયો હતો. સંસદીય અને રાજકીય સેવા માટે નોર્ધર્ન આયર્લેન્ડના ભૂતપૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર આર્લેન ફોસ્ટરને ડેમહૂડ અને ફૂટબોલ ગવર્નન્સના સ્વતંત્ર ફેન લેડ રિવ્યુ માટે ટ્રેસી ક્રોચ, એમપીને CBE પ્રાપ્ત થયો છે. પૂર્વ ફૂટબોલર અને કોમેન્ટેટર રિયો ફર્ડિનાન્ડને ચેરિટી કાર્યો માટે OBE અને ક્રિકેટર મોઈન અલીને MBE, સુવર્ણચંદ્રક વિજેતા બેઇજિંગ ઓલિમ્પિક કર્લર મિલી સ્મિથ, વિક્ટોરિયા રાઈટ, હેલી ડફ અને જેનિફર ડોડ્સને MBE એનાયત કરાયો છે.

વોકર્સ શોર્ટબ્રેડ લિમિટેડના સ્કોટિશ ઉદ્યોગપતિ જેમ્સ વોકર અને એબરડીનશાયરમાં બાલમોરલ ગ્રૂપના ચેરમેન જિમી મિલ્નેને તેમના વ્યવસાય અને સખાવતી યોગદાન માટે નાઈટહૂડ મળ્યો છે. ધ સ્કાઉટ એસોસિએશન અને યુકે ઇનોવેશન કોરિડોરના અધ્યક્ષ એન લિમ્બને અને બિઝનેસ અને હોસ્પિટાલિટી ક્ષેત્રની સેવાઓ માટે કેરેન જોન્સને ડેમહૂડ્સ એનાયત કરવામાં આવેલ છે.

ઇયાન રેન્કિનને સાહિત્ય અને ચેરિટીની સેવાઓ માટે નાઈટહૂડ મળે છે અને અભિનેતા ડેમિયન લુઈસને કોવિડ-19 દરમિયાન £1 મિલિયન એકત્ર કરવા બદલ CBE પ્રાપ્ત થયો છે. ઉપરાંત, આર્ટસ સેક્ટરના ચિલા કુમારી બર્મનને રોગચાળા દરમિયાન તેમના ઉત્થાન માટે MBE આપવામાં આવેલ છે.યુનિવર્સિટીના કામમાંથી રજા લઇ અવેતન, NHS ફરજો માટે ફ્રન્ટલાઈન સેવાઓ આપવા બદલ ડૉ. રાગીબ અલીને OBE એનાયત કરાયો છે.

 

ક્વીન્સ ઓનર્સમાં યુકેના તમામ સમાજના લોકોને સમાવિષ્ટ કરાયા

મહારાણીના જન્મ દિને આપવામાં આવેલા સન્માનમાં યુકેના તમામ સમાજના લોકોને સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એવોર્ડ મેળવનાર 1,134 લોકોમાંથી BEM, MBE અને OBE સ્તરે 1,002 લોકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 304ને BEM, 452ને MBE અને 246ને OBE એવોર્ડ એનાયત કરાયો છે. એવોર્ડ મેળવનારા 673 (59.3%) લોકો એવા છે જેમણે તેમના સમુદાયોમાં સ્વૈચ્છિક અથવા આર્થિક મદદ લઇને ઉત્કૃષ્ટ કાર્ય હાથ ધર્યું છે.

આ વખતે 584 મહિલાઓની કામગીરીની સરાહના કરીને સન્માન અપાયું છે. જેઓ એવોર્ડ મેળવનારા સૌમાં કુલ 51.5%નું પ્રતિનિધિત્વ કરે છે. આ વખતે CBE સ્તર અને તેનાથી ઉપરના પ્રાપ્તકર્તાઓમાં 44.8% મહિલાઓ છે.
એવોર્ડ મેળવનારા 13.3% સફળ ઉમેદવારો વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી, 6.8% લોકો એશિયન વંશીય જૂથમાંથી, 4.3% પ્રાપ્તકર્તાઓ અશ્વેત વંશીય જૂથમાંથી, 1.8% પ્રાપ્તકર્તાઓ મિશ્ર વંશીય અને 0.4% પ્રાપ્તકર્તાઓ અન્ય વંશીય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. એવોર્ડ મેળવનારા 9.3% સફળ ઉમેદવારો અક્ષમ છે અથવા લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવે છે; 24.3% પ્રાપ્તકર્તાઓએ પોતાને નિમ્ન સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાનું માનં છે અને 4.6% પ્રાપ્તકર્તાઓ LGBT સમુદાયના છે.