લેસ્ટરના ઇવિંગ્ટનમાં કોલમેન રોડ પર એવોનસાઇડ ડ્રાઇવ જંકશન નજીક રવિવારે તા. 17ના રોજ રાત્રે લગભગ 11.30 વાગ્યે એક કાર ઝાડ સાથે અથડાતાં લેસ્ટરમાં રહેતા 28 વર્ષિય પવનદીપ સિંહનું  ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બીજા બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પોલીસે જણાવ્યું છે કે ડાર્ક કલરની સીયેટ લિયોન કાર ક્રેશ થઈ જતા ઘાયલ થયેલા બે જણાને નોટિંગહામના ક્વીન્સ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે પવનદીપ સિંહનું સ્થળ પર જ મરણ થયું હતું. મોતને ભેટેલો સિંગ સની તરીકે જાણીતો હતો.

30ના દાયકાના એક વ્યક્તિને જીવલેણ ઇજાઓ માટે સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે 20ના દાયકાના યુવાનની હાલત ગંભીર પરંતુ સ્થિર ગણાવાય છે. ઇવીંગટનના આ રહેણાંક વિસ્તારનો રસ્તો સોમવારે ફરી ખુલ્લો મૂકાયો હતો. બનાવ અંગે પૂછપરછ ચાલુ છે અને ડિટેક્ટીવ સાર્જન્ટ પૌલ હોકિન્સે સાક્ષીઓને આગળ આવવા વિનંતી કરી.