એશિયા કપ ક્રિકેટ મેચ બાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં ઇસ્ટ લેસ્ટરના બેલગ્રેવ રોડ પર હિન્દુ અને મુસ્લિમ સમુદાયોના લોકો વચ્ચે ફાટી નીકળેલા તોફાનો અને હિંસક અથડામણો બાબતે કુલ 32 વ્યક્તિઓને વિવિધ ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ગુનાઓમાં અફરાતફરી, મારી નાખવાની ધમકીઓ, વંશીય અથવા ધાર્મિક પબ્લિક ઓર્ડર ઓફેન્સીસ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો સમાવેશ થાય છે. દોષિત ઠરેલા લોકોને £1,200 સુધીના દંડથી લઈને જેલની સજા સુધીની જોગવાઇ છે.

લેસ્ટરશાયર પોલીસે 100થી વધુ ઘટનાઓની તપાસ કરવા માટે 50 થી વધુ અધિકારીઓની બનેલી એક ટીમ દ્વારા 6,000 કલાકથી વધુ સમયના બોડી કેમ ફુટેજ CCTV ફૂટેજ અને ફોન ઈમેજોની બારીકાઈથી સમીક્ષા કરી હતી. જો કે 19 કેસ વણઉકેલ્યા રહ્યા હતા. આ હિંસા પછીના પરિણામોએ પોલીસ દળ પર નોંધપાત્ર અસર કરી હતી.

ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને જણાવ્યું હતું કે ‘’પોલીસે ડિસઓર્ડરને નિયંત્રિત કરી લોકોના વિશ્વાસના પુનઃનિર્માણ માટે પ્રયાસ કર્યો હતો. પોલીસ તમામ સમુદાયોની સેવા કરવા માટે સમર્પિત છે અને નિષ્પક્ષપણે ઘટનાઓનો જવાબ આપશે તથા પુરાવાઓને અનુસરવાની પ્રતિબદ્ધતાનું પાલન કરશે.‘’

એવો આક્ષેપ થાય છે કે હાઈફિલ્ડ્સમાં કૂચના ફૂટેજ જોતાં હિંસક અથડામણ વખતે તોફાનીઓને અધિકારીઓનો ગર્ભિત ટેકો મળ્યો હતો જેઓ ગ્રીન લેન રોડ પર સરઘસની સાથે ચાલતા દેખાયા હતા. જો કે, પોલીસ ફોર્સે સતત આ દાવાઓને નકારી કાઢ્યા હતા.

પોલીસે આ મહિનાની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બે એશિયા કપ ક્રિકેટ મેચ વખતે વધારાના કર્મચારીઓ અને વાહનો તૈનાત કર્યા હતા અને કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.

LEAVE A REPLY