કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ વડા પ્રધાન બનવાની રેસમાં અગ્રેસર યુકેના ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને મંગળવારે વ્યાપક ટીકાઓ બાદ મુખ્ય પોલીસી દરખાસ્ત બાબતે તીવ્ર યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી.

સોમવારની રાત્રે, ટ્રસે જણાવ્યું હતું કે તે સિવિલ સર્વન્ટ્સના વેતન નક્કી કરવા માટે રાષ્ટ્રીયને બદલે પ્રાદેશિક પગાર બોર્ડ અમલમાં લાવી £8.8 મિલિયનની બચત કરશે. પરંતુ તેનાથી દેશના છેવાડાના ગરીબ ભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓનો પગાર ઓછો થવાની ધારણા સાથે યુનિયન્સ દ્વારા તેમનો જોરદાર વિરોધ કરાયો હતો.

જેને કારણે મંગળવારની બપોર સુધીમાં, ટ્રસની ટીમે “જાહેર ક્ષેત્રના પગારનું વર્તમાન સ્તર સંપૂર્ણપણે જાળવી રાખવામાં આવશે. સખત મહેનત કરનાર ફ્રન્ટલાઈન સ્ટાફ સમાજનો પાયો છે અને સરકારી કર્મચારીઓ અથવા જાહેર ક્ષેત્રના કામદારો માટે પ્રાદેશિક પગાર બોર્ડ પર કોઈ દરખાસ્ત આગળ વધારવામાં આવશે નહીં” એમ જણાવી તીવ્ર યુ-ટર્ન લીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે નીતિની “ઇરાદાપૂર્વક ખોટી રજૂઆત” કરવામાં આવી હતી.

વિપક્ષ લેબરના શેડો ચાન્સેલર રશેલ રીવ્સ અને લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવીએ ટ્રસની ઝાટકણી કાઢી હતી.