LTTE chief Prabhakaran claimed to be alive and well
(Photo by STR/AFP via Getty Images)

શ્રીલંકાની સરકારે LTTE ના વડા વેલુપિલ્લઈ પ્રભાકરનને મૃત જાહેર કર્યાના ચૌદ વર્ષ પછી તમિલનાડુના ભૂતપૂર્વ રાજકીય નેતા પાઝા નેદુમારને સોમવારે ચોંકાવનારો દાવો કર્યો હતો કે પ્રભાકરન જીવંત અને સ્વસ્થ છે અને ટૂંક સમયમાં તેઓ જાહેરમાં દેખાશે.

પ્રભાકરને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)ની સ્થાપના કરી હતી અને શ્રીલંકાના તમિલો માટે અલગ દેશ માટે ગેરિલા યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. 18 મે, 2009ના રોજ શ્રીલંકાના સૈન્ય દ્વારા મુલ્લીવૈકલ ખાતેના ઓપરેશન બાદ પ્રભાકરનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

વર્લ્ડ તમિલ કોન્ફેડરેશનના પ્રમુખ નેદુમારને તંજાવુરમાં પત્રકારને જણાવ્યું હતું કે, “LTTE ચીફ પ્રભાકરન જીવિત છે અને ટૂંક સમયમાં દેખાશે. અમે વિશ્વ સમક્ષ આની જાહેરાત કરતા ખુશ છીએ. તે તમિલ ઈલમ માટે તેમની યોજનાની જાહેરાત કરશે.” આ જાહેરાતના સમયની સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું, “શ્રીલંકામાં સિંહાલી વિદ્રોહ પછી રાજપક્ષે સરકારના પતનથી અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. તેમના (પ્રભાકરનના) દેખાવ માટે આ યોગ્ય સમય છે.”

શ્રીલંકાની સરકાર દ્વારા 2009માં પ્રભાકરનના મૃત્યુની જાહેરાત બાદ એક મૃતદેહના અનેક ફોટોગ્રાફ્સ અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા. ત્યારે ઘણા લોકોએ દાવો કર્યો હતો કે આ ચેડા કરેલા છે.

LTTE શ્રીલંકાનું અલગાવવાદી સંગઠન છે. તે તમિળો માટે અલગ રાષ્ટ્રની માગ સાથે બન્યું હતું. 1976માં આ સંગઠને વિલિકાડેમાં નરસંહાર કરી પોતાની હિંસક અને મજબૂત હાજરી નોંધાવી. સંગઠન ધીમે-ધીમે પોતાની પકડ વધારતું ગયું હતું. 80ના દાયકા પછી સંગઠનને અન્ય દેશોથી પણ સહયોગ મળવા લાગ્યો અને તેમની તાકાત વધવા લાગી હતી. LTTEની હાજરીથી શ્રીલંકામાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું હતું. તેને શાંત કરવા માટે 29 જુલાઈ 1987ના રોજ ભારત અને શ્રીલંકાની વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. 1987માં LTTE સાથે મુકાબલો કરવા માટે ભારતે પણ પોતાની આર્મી શ્રીલંકા મોકલી હતી. ભારતના આ પગલાથી LTTE ભારત વિરુદ્ધ થઈ ગયું અને તેની સામે બદલો લેવાનું નક્કી કર્યું. રાજીવ ગાંધીની હત્યા માટે LTTEને જવાબદાર માનવામાં આવે છે.

 

LEAVE A REPLY

19 − 16 =