ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 10 જુલાઈ, 2022ના રોજ લખનૌમાં લુલુ મોલનું ઉદ્ઘાટન કર્યું હતું. (PTI Photo/Nand Kumar)

લખનૌના લુલુ મોલમાં લોકોનું એક જૂથ નમાઝ પઢતું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં મોટો વિવાદ ઊભો થયો હતો. એક હિન્દુ સંગઠને તેનો ભારે વિરોધ કર્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. હિન્દુ સંગઠને શુક્રવારે આ મોલમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે સ્થાનિક સત્તાવાળા પાસેથી પરવાનગી પણ માગી છે. હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે એ કે આ મોલમાં મુસ્લિમ પુરુષો અને હિન્દુ યુવતીઓની ભરતી કરીને લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવે છે.

આ મોલનું ઉદ્ઘાટન યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે કર્યું હતું. આ મોલ અબુ ધાબી સ્થિત લુલુ ગ્રૂપની માલિકીનો છે. લુલુ ગ્રૂપનો માલિક ભારતીય મૂળનો અબજપતિ યુસુફ અલી એમએ છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો દેખાયા બાદ અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કેટલાંક સભ્યો આ મોલના ગેટ પર પહોંચ્યા હતા અને દેખાવો કર્યા હતા. મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પોતાની ઓળખ આપનારા શિશિર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ મોલમાં ખાસ સમુદાયના લોકોને નમાઝ કરવાની છૂટ આપવામાં આવે છે. મોલ સત્તાવાળાઓએ બીજા સમુદાયના લોકો અને હિન્દુઓને પણ પ્રાર્થના કરવાની છૂટ આપવી જોઇએ.

આ મોલના જનરલ મેનેજર સમીર વર્માએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે લુલુ મોલ તમામ ધર્મોનું સન્માન કરે છે. કોઇપણ ધાર્મિક કાર્ય કે પ્રાર્થનાની અહીં છૂટ આપવામાં આવતી નથી. અમે આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે અમારા ફ્લોર સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફને તાલિમ આપીએ છીએ. જોકે તેમણે મોલ સંકુલમાં નમાઝના વિવાદ અંગે કોઇ ટીપ્પણી કરી ન હતી.

પોલીસ જવાનો કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મોલની બહાર ગોઠવાઈ ગયા હતા.ચતુર્વેદી અને મહાસભાના બીજા સભ્યોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવાયા અનુસાર મોલમાં નમાઝ અદા કરાઈ હતી, જે જાહેર સ્થળો પર નમાઝ ન કરવાની રાજ્ય સરકારના નિર્ણયની વિરુદ્ધમાં છે. મોલમાં 70 ટકા કર્મચારીઓ મુસ્લિમ પુરુષો છે, જ્યારે 30 ટકા કર્મચારીઓ હિન્દુ મહિલા છે. આ રીતે તે લવ જેહાદને પ્રોત્સાહન આપે છે.