ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ ગુરુવારે ખુલાસો કર્યો હતો કે તેઓ બોલિવૂડ સ્ટાર અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે ડેટિંગ કરી રહ્યાં છે. . (ANI Photo/Instagram)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ ગુરુવારે ખુલાસો કર્યો હતો કે તેઓ બોલિવૂડ સ્ટાર અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે ડેટિંગ કરી રહ્યાં છે. હાલમાં લંડનમાં રહેતા લલિત મોદીએ તેમના ટ્વીટર એકાઉન્ટમાં એક પોસ્ટ મૂકીને સુષ્મિતા સેન સાથેના પ્રેમસંબંધની સત્તાવાર જાહેરાત કરી હતી.

ટ્વીટર પર મોદીએ લખ્યું હતું કે પરિવાર સાથે માલદીવ અને સાર્ડિનિયાની ગ્લોબલ ટૂર કરી લંડન પરત ફર્યો છું. મારી બેટરહાફ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યા વિના કેવી રીતે રહી શકાય- એક નવા જીવનની શરૂઆત. ચાંદ પર છું. 56 વર્ષના લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના બે રોમેન્ટિક ફોટોગ્રાફ પણ મૂક્યા હતા.

લલિત મોદીની આ ટ્વીટ પર સોશિયલ મીડિયામાં મોદી અને સુષ્મિતા સેનના લગ્નની અટકળો વ્યક્ત થવા લાગી હતી. આ પછીની ટ્વીટમાં લલિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર ડેટિંગ કરી રહ્યાં છે અને લગ્ન કર્યા નથી. લગ્ન પણ એક દિવસ થશે.

જોકે 46 વર્ષની સુષ્મિતા સેને લલિત મોદી સાથેના રિલેશનશીપને પુષ્ટી આપી નથી. જોકે તે ગયા વર્ષના ડિસેમ્બરમાં મોડલ-એક્ટર રોહમેન શોલથી અલગ થઈ હતી. આઇપીએલ સંબંધિત સ્કેન્ડલ અને વિવાદ વચ્ચે મોદી 2010માં ભારતમાંથી ભાગીને લંડન ગયા હતા.

જો લલિત મોદી સુષ્મિતા સેન સાથે લગ્ન કરશે તો તે તેમના બીજા લગ્ન હશે. લલિત મોદીના પ્રથમ લગ્ન 17 ઓક્ટોબર 1991માં મીનલ સાથે થયા હતા. મિનલ લલિત મોદી કરતાં 9 વર્ષ મોટી છે. લલિત મોદી સાથે લગ્ન પહેલા મિનલ એક પુત્રીની માતા હતી. આ પુત્રીનું નામ કરીમા છે. લલિત મોદીએ કરીમાને પણ અપનાવી હતી. કરીમાના લગ્ન ગૌરવ બર્મન સાથે થયા હતા. ગૌરવ બર્મન ડાબર ગ્રૂપના માલિક વિવેક બર્મન અને મોનિકા બર્મના પુત્ર છે.