ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇમાં રમાયેલી મેચમાં મંગળવારે ચોથા દિવસે ભારતનો શાનદાર વિજય થયો હતો. (BCCI/PTI Photo)

ચેન્નાઈમાં જ પ્રથમ ટેસ્ટમાં કારમા પરાજય પછી ભારત માટે ટેસ્ટ સીરીઝમાં રસાકસી માટે પ્રભાવશાળી વિજય જરૂરી હતો અને ત્યાં જ રમાયેલી બીજી ટેસ્ટમાં, મર્યાદિત સંખ્યામાં પ્રેક્ષકોની હાજરીમાં ભારતીય ટીમે પ્રવાસી ઈંગ્લેન્ડને પરાજય કરતાં વધુ મોટા તફાવતથી બીજી ટેસ્ટમાં હરાવી સીરીઝને જીવંત બનાવી દીધી છે. ભારતનો 317 રને વિજય તો ઈંગ્લેન્ડ સામેનો રનના તફાવતમાં સૌથી મોટો વિજય છે, અગાઉનો રેકોર્ડ જુન 1986માં લીડ્ઝ ટેસ્ટનો હતો, જેમાં ભારતનો 279 રને વિજય થયો હતો.

વધુ એક રસપ્રદ બાબત એ પણ છે કે, બીજી ટેસ્ટમાં પહેલા દિવસથી જ ભારતે બરાબર પકડ જમાવી હતી અને મેચ ચોથા દિવસે લંચ પછીના સેશનમાં જ પુરી થઈ જતાં એક દિવસથી પણ વધુનો સમય બચ્યો હતો. આ મેચમાં ગુજરાતના સ્પિનર અક્ષર પટેલે પોતાની પ્રથમ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી પ્રભાવશાળી ડેબ્યુ કર્યું હતું. તો બીજા સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ડબલ સિદ્ધિ મેળવી હતી – ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ ખેરવી હતી, તો ભારતની બીજી ઈનિંગમાં બેટિંગમાં કૌવત દાખવી પોતાની પાંચમી ટેસ્ટ સદી કરી હતી. આ મેચ વિનિંગ દેખાવ બદલ અશ્વિનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

ભારતે પહેલી ઇનિંગમાં 329 રન કર્યા હતા, જેમાં ઓપનર રોહિત શર્માના ધમાકેદાર 161 તેમજ અજિંક્ય રહાણેના 67 અને રીષભ પંતના અણનમ 58 મુખ્ય હતા, તો જવાબમાં ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં ફક્ત 134 રન થયા હતા, જેમાં બેન ફોક્સના અણનમ 42 મુખ્ય હતા. ભારત તરફથી અશ્વિને પાંચ તથા અક્ષર પટેલ અને ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત સાવ કંગાળ રહી હતી અને 86 રનમાં તો ટોચના પાંચ બેટ્સમેન તંબુભેગા થઈ ગયા હતા, પણ સુકાની વિરાટ કોહલીએ 62 અને અશ્વિને 106 રન કરી રંગ રાખ્યો હતો અને એકંદરે ભારતે 286 રન કર્યા હતા.

આ રીતે, ઈંગ્લેન્ડ સામે છેલ્લી ઈનિંગમાં 472 રન કરવાનો લગભગ અશક્ય ટાર્ગેટ આવ્યો હતો. અને ત્રીજા દિવસની રમતના અંતે તો ઈંગ્લેન્ડે 53 રનમાં ત્રણ વિકેટ ગુમાવી પણ દીધી હતી. અને ચોથા દિવસે તેણે બાકીની 7 વિકેટ વધુ 111 રનમાં ગુમાવી દેતાં તે 164 રને ઓલઆઉટ થઈ ગયું હતું. ટોચના બધા બેટ્સમેન નિષ્ફળ રહ્યા પછી છેલ્લે મોઈન અલીએ વિસ્ફોટક બેટિંગ કરી ફક્ત 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 43 રન કર્યા હતા, જેમાં તેણે અક્ષર પટેલને તો સતત ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

ભારતે આ મેચમાં વિજય સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે 30 પોઈન્ટ મેળવતાં તે હવે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે. હવે ત્રીજી ટેસ્ટ ડે-નાઈટ મેચ છે, જે અમદાવાદમાં 24મીથી શરૂ થશે. અમદાવાદમાં નવા બનેલા સ્ટેડિયમમાં આ પ્રથમ મેચ રહેશે. એ પછી ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે અને તે પછી પાંચ ટી-20 ઈન્ટરનેશનલ પણ અમદાવાદમાં જ રમાશે, જ્યારે તે પછી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સ પૂણેમાં રમાશે.