બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર પોતાના નામે કર્યો હતોREUTERS/Jason Cairnduff

બર્મિંઘમમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ-2022માં  અત્યાર સુધી ભારતને કુલ ચાર મેડલ મળ્યા છે, જે તમામ વેઈટલિફ્ટિંગમાં છે. બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર પોતાના નામે કર્યો હતો. આ પહેલા મીરાબાઈ ચાનુએ ગોલ્ડ, ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ અને સંકેત સરગરે સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. આ રીતે ભારતના ખાતામાં અત્યાર સુધી ચાર મેડલ આવી ગયા છે.

શનિવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. ગેમ્સના બીજા દિવસે ભારતે કુલ ત્રણ મેડલ જીત્યા હતા. જેમાં દેશની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ હતો. તે પહેલા યુવાન વેઈટલિફ્ટર સંકેત સરગરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવતા સિલ્વર મેડલ જીત્યો હતો.

વેઈટલિફ્ટર સંકેત સરગરે પુરૂષોની 55 કિલો વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.વેઈટલિફ્ટર ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંકેતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં પોતાના બીજા પ્રયાસમાં તેને હાથમાં ઈજા થઈ હતી જેના કારણે તેને એક કિલો વજનથી ગોલ્ડ મેડલ ગુમાવવો પડ્યો હતો. જ્યારે મીરાબાઈએ તો સ્નેચમાં 88 કિલો વજન ઉચકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉપરાંત નેશનલ રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે કુલ 201 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે કોમનવેલ્થ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ હતો.

મીરાબાઈએ પોતાના પ્રથમ સ્નેચ પ્રયાસમાં 84 કિલો વજન ઉચક્યું હતું. જ્યારે બીજા પ્રયાસમાં તેણે ત્રણ રેકોર્ડ નોંધાવવાની સાથે 88 કિલો વજન ઉચક્યું હતું. આ મીરાબાઈનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન તો હતું જ પરંતુ સાથે સાથે તેણે નવો નેશનલ રેકોર્ડ અને નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. મીરાબાઈએ પોતાના અંતિમ પ્રયાસમાં 90 કિલો વજન ઉચકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. તેમ છતાં 88 કિલો સાથે તે પોતાની નજીકની હરીફ કરતા 12 કિલો આગળ હતી. ક્લિન એન્ડ જર્કમાં પણ મીરાબાઈ ચાનુએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્લિન એન્ડ જર્કમાં પોતાના પ્રથમ પ્રયાસમાં 109 કિલો વજન ઉચક્યું હતું. જ્યારે બીજા પ્રયાસમાં તેણે 113 કિલો વજન સાથે ઉચક્યું હતું. તેણે ત્રીજા પ્રયાસમાં 115 કિલો વજન ઉચકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. આ સાથે તેણે કુલ 201 કિલો વજન ઉચકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

બર્મિંઘમમાં બીજો મેડલ વેઈટલિફ્ટર ગુરૂરાજા પૂજારીએ જીતાડ્યો હતો. ગુરૂરાજાએ 61 કિલો વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 118 કિલો વજન ઉચક્યું હતું જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે 151 કિલો વજન ઉચક્યું હતું. તેણે કુલ 269 કિલો વજન ઉચકીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. મલેશિયાના અજનીલ બિન બિદિન મોહમ્મદે 285 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે પાપુઆ ન્યુ ગિનીના મોરિયા બરુએ 273 કિલો વજન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.