People with chronic mental illness die younger
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં જ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯ લાખ લોકો માનસિક સ્વાસ્થ્યને લગતી બિમારીનો શિકાર બન્યા છે. ૧૦ ઓક્ટોબરે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ છે ત્યારે માનસિક સ્વાસ્થ્યને લગતા કેસમાં થઇ રહેલો વધારો જોખમના એલાર્મ સમાન છે.

કોરોનાએ ગત વર્ષે માર્ચમાં પગપેસારો કર્યો ત્યારથી માનસિક સ્વાસ્થ્યને લગતી બિમારીના કેસમાં પણ વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન માનસિક રોગના ૬.૯૮ લાખ દર્દીઓની હોસ્પિટલમાં ઓપડી થઇ હતી અને આ પૈકી ૫૬૭૫૭ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. એક જ વર્ષમાં માનસિક સ્વાસ્થ્યને લગતા સંભવતઃ આ સૌથી વધુ કેસ છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જ આ ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોનામાં ધંધા-રોજગાર પર પડેલી અસર, સ્વજનોને ગુમાવવા, એકલવાયુંપણું, લાંબા લોકડાઉનને લીધે માનસિક સ્વાસ્થ્યને લગતા દર્દીઓમાં વધારો નોંધાયો છે.

નિષ્ણાતોના મતે કોરોનાકાળે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં કોઇને કોઇ રીતે માઠી અસર પડી છે. અનેક લોકોએ અચાનક જ સ્વજન ગુમાવ્યા છે તો અનેક લોકોને ધંધા-રોજગારમાં મોટો આર્થિક ફટકો પડયો છે. કોઇ સ્વજન કે મિત્રનું કોરોનાથી અવસાન થાય તો અનેક લોકોને એવો ડર હાવી થવા લાગ્યો કે ‘હવે મને પણ કોરોના થશે અને હું પણ મૃત્યુ પામીશ તો ?’ આ ઉપરાંત ચિંતા-ડરને કારણે રાત્રે ઉંઘ ન આવવી જેવા કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા દોઢ વર્ષમાં નાની-નાની વાતોમાં ગુસ્સો કરવો કે સાવ ક્ષુલ્લક વાત માટે સામે વાળી વ્યક્તિ સાથે ઝઘડો કરવો તેવા કેસ પણ વધી રહ્યા છે.