વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની અટકળો વચ્ચે શનિવારે સોમનાથ,જુનાગઢ,પોરબંદરની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે અને પ્રધાનમંડળમાં જેમ તમામ પ્રધાનો પડતા મુકાયા તેવી ‘નો રિપીટ ‘થિયરી તમામ ધારાસભ્યો માટે લાગુ નહીં પડે.

જુનાગઢના ઝાંઝરડા રોડ પર શહેર ભાજપ કાર્યાલયના ખાતમુહુર્ત કર્યા બાદ તેમણે વિધાનસભા ચૂંટણી સમયસર થવાનું જણાવ્યું હતું. તેમણે હળવા મૂડમાં જણાવ્યું કે નો રીપીટ થિયરી પ્રધાનોમાં જે રીતે લાગુ કરાઈ છે તે રીતે ધારાસભ્યોમાં નહીં થાય, બધા ધારાસભ્યો નહીં પરંતુ, થોડાઘણા બદલાવીશું એટલે કે રીપીટ નહીં થાય. તેમણે ઈ.2022 વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું કે અમારો જન્મ જીતવા માટે થયો છે.

પોરબંદર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ આવી પહોંચતા તેમનું સ્વાગત કર્યા બાદ નરસંગ ટેકરીથી તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં ધારાસભ્ય, સાંસદ વગેરે હાજર રહ્યા હતા. બાદમાં ચોપાટી પર મહિલા સંમેલનને સંબોધન કરી ઈ.૨૦૨૨ના મિશનમાં કામે લાગી જવા અપીલ કરી હતી.