અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં ફરીથી સત્તારૂઢ થવા માટે ગત ચૂંટણી દરમિયાન કરેલી નિવેદનબાજીનો પુનર્રોચ્ચાર કરી રહ્યા છે. તેઓ તેમના કેમ્પેઇનના ભાગરૂપે હિંસક ગુનાખોરીને વેગ આપવા માટે ગેરકાયદે માઇગ્રન્ટ્સને દોષિત માની રહ્યા છે. પરંતુ એક સર્વે દર્શાવે છે કે, ઇમિગ્રન્ટ્સની ગુનાખોરીમાં સામેલ થવાની સંભાવના વધુ નથી. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ- રીપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે, નવેમ્બરની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ જો બાઇડેનને પડકારનારા કડક સરહદ નિયંત્રણ માટેની તેમની દલીલના ભાગરૂપે દેશમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ દ્વારા આચરવામાં આવતા ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ટ્રમ્પ કહે છે કે, બાઇડેનની નીતિઓમાં વધુ પડતી અનુકૂળતા છે અને દેશમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ દ્વારા કરવામાં આવેલા ગુનાઓ “બાઇડેન માઇગ્રન્ટ ક્રાઇમ” તરીકે જાણીતા છે.
ટ્રમ્પે દેશમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનું વર્ણન કરવા માટે અમાનવીય પરિભાષાનો ઉપયોગ કર્યો હતો, તેમણે માઇગ્રન્ટ્સને કથિત ગુનાઇત કૃત્યો અંગે વાત કરતી વખતે તેમને “પ્રાણીઓ” તરીકે સંબોધ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ “આપણા દેશના લોહીમાં ઝેર ફેલાવે છે”.
તાજેતરમાં, ટ્રમ્પ અને રીપબ્લિકન્સે જ્યોર્જિયાના 22 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થી લેકેન રીલીના કેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેની કથિત રીતે દેશમાં ગેરકાયદે રીતે વેનેઝુએલા દ્વારા હત્યા કરવામાં આવી હતી.
રીપબ્લિકન નેશનલ કમિટીએ આ મહિનાની શરૂઆતમાં “બાઇડેન બ્લડબાથ” નામની એક વેબસાઇટ શરૂ કરી હતી જે એરિઝોના, મિશિગન અને પેન્સિલવેનિયા જેવા ચૂંટણી જંગ સહિત આઠ રાજ્યોમાં માઇગ્રન્ટ્સ સંબંધિત ઘટનાઓને ઉજાગર કરે છે.
માર્ચ મહિનામાં જો બાઇડેનના સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધન દરમિયાન રીપબ્લિકન પ્રતિનિધિ માર્જોરી ટેલર ગ્રીન દ્વારા અડચણ ઊભી કરવામાં આવી હતી, જેમણે બાઇડેનને હત્યાનો સ્વીકાર કરવાની માગણી કરી હતી. બાઇડેને જવાબ આપતા કહ્યું કે રીલી “એક નિર્દોષ મહિલા હતી જેની હત્યા ગેરકાયદે રહેતા વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી.” પછી તેણે પૂછ્યું કે કેટલા લોકો “કાયદેસર” લોકો દ્વારા મૃત્યુ પામ્યા હતા.
ગુનાના દરો નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતા આંકડા સામાન્ય રીતે ઘણા વર્ષો જૂનો હોય છે, તેથી તે વર્તમાન અથવા ભવિષ્યના વલણો સ્પષ્ટ રીતે દર્શાવતા નથી.
જોકે, કેટલાક અભ્યાસોમાં લાંબા સમય સુધી અનુકૂળ પેટર્ન જોવા મળે છે.
કેટલાક સંશોધકોએ ઉલ્લેખ કર્યો છે કે ગત દસકામાં વધુ પરિવારો અને માતા-પિતા વગરના બાળકો સરહદ પાર કરતા પકડાયા છે, આવા લોકો દ્વારા આંકડાકીય રીતે ગુના કરવાની શક્યતા ઓછી છે.
યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસનના પ્રોફેસર માઈકલ લાઇટે જણાવ્યું હતું કે, અમેરિકાનું સંશોધન એકંદરે એવું દર્શાવતું નથી કે ઇમિગ્રન્ટ્સ ગુનાખોરી આચરે છે.
લાઇટે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યૂં હતું કે, “વિદેશમાં જન્મેલા વ્યક્તિઓએ ગુના કર્યા જ છે, પરંતુ શું વિદેશમાં જન્મેલા વ્યક્તિઓ મૂળ જન્મેલા વ્યક્તિઓની સરખામણીએ અપ્રમાણસર રીતે ઊંચા દરે ગુનો કરે છે? તેનો જવાબ ખૂબ જ નિર્ણાયક રીતે ના છે.”

LEAVE A REPLY

1 × 1 =