
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મંગળવારે ભાજપના ભવ્ય વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વધાવી લીધો હતો અને મતદાતાનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના રિઝલ્ટ સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુજરાત ભાજપના વિકાસ અને સુશાસનના વહીવટના એજન્ડામાં અડગ શ્રદ્ધા ધરાવે છે. ભાજપ માટે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ બદલ ગુજરાતની જનતાને નમન.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકારી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં કાર્યરત ભાજપ સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારો દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.













