વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 151 વીઘા જમીન પર નિર્માણ પામેલા બનાસ ડેરીના ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ યુનિટ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કમ્યુનિટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કર્યું હતું. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 151 વીઘા જમીન પર નિર્માણ પામેલા બનાસ ડેરીના ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ યુનિટ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કમ્યુનિટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કર્યું હતું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે, આખું બનાસ તેમના સ્વાગતને લઈને હિલોડે ચઢ્યું હતું.

આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, ભારતમાં દર વર્ષે રૂ.8.5 લાખ કરોડના મૂલ્યનું દૂધનું ઉત્પાદન થાય છે અને દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બનાસ ડેરીએ સાબિત કર્યું છે કે સ્થાનિક ખેડૂતોની આવક વધારવા માટે અન્ય સંસાધનોનો પણ ઉપયોગ કરી શકાય છે. બનાસ ડેરીમાં વિકાસની પહેલ ખેડૂતોને સશક્ત બનાવશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. આત્મનિર્ભર ભારત અભિયાનને સહકારી ચળવળ કેવી રીતે બળ આપે છે તે આપણે અહીં અનુભવી શકીએ છીએ. મોદીએ કહ્યું હતું કે, ગોબર ધન દ્વારા એક સાથે અનેક લક્ષ્યો હાંસલ કરવામાં આવી રહ્યા છે. એક તો ગામડાઓમાં સ્વચ્છતાને બળ આપી રહ્યું છે, બીજું પશુપાલકોને તેમાંથી ગાયના છાણ માટે પૈસા પણ મળી રહ્યા છે. આજે અહીં એક બાયો-સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 4 ગોબર ગેસ પ્લાન્ટનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. સરકારના કચરાથી કંચન અભિયાનને આનાથી મદદ મળશે.

વડાપ્રધાન મોદીને આવકારવા માટે બનાસકાંઠામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. (ANI Photo/PIB)