ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 27 જુલાઇએ રાજકોટ નજીક રૂ.1,405 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. (ANI Photo)

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 27 જુલાઇએ રાજકોટમાં રૂ. 1,405 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજકોટથી 30 કિમી દૂર આવેલા હીરાસર ખાતેના આ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે ગુજરાતમાં હવે કુલ ચાર ઈન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયા છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થવાથી સૌરાષ્ટ્રમાં વેપાર, શિક્ષણ , ટુરિઝમ અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન મળશે.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ શહેરથી લગભગ 30 કિમી દૂર બનાવવામાં આવ્યું છે. રાજકોટ એરપોર્ટનો રન-વે 3000 મીટર એટલે કે ત્રણ કિલોમીટર લાંબો છે. તેથી મોટી સાઈઝના હેવી એરક્રાફ્ટનું પણ અહીં લેન્ડિંગ થઈ શકશે. આ એરપોર્ટનું વિસ્તરણ કરી શકાય તેવી સુવિધા છે. આ એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. એટલે કે તે એકદમ નવું એરપોર્ટ છે જે 2500 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલ છે.આ એરપોર્ટમાં મોડર્ન ટેક્નોલોજી અને બીજા ફીચર્સ ઉમેરાયા છે. આ એરપોર્ટ સોલર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ, રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી સજ્જ છે. આ એરપોર્ટમાં એક સમાંતર હાફ ટેક્સી વે, એક રેપિડ ટેક્સી ટ્રેક અને ઈન્ટેરિમ ટર્મિનલ બિલ્ડિંગ હશે.

આ એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ GRIHA -4 છે અને તેમાં ડબલ ઈન્સ્યુલેટેડ રુફિંગ સિસ્ટમ, સ્કાયલાઈટ્સ, એલઈડી લાઈટિંગ, લો હીટ ગેઈન ગ્લેઝિંગ સહિતની સગવડો છે.આ એરપોર્ટની ડિઝાઈન રાજકોટ અને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતથી પ્રેરિત છે. અહીં તમને દાંડિયા રાસને પણ આર્ટ સ્વરૂપે રજુ થયેલું જોવા મળશે. ગુજરાતના જુદા જુદા લોકનૃત્યોથી પ્રેરિત થઈને અહીં કળાકૃતિઓ રજુ કરવામાં આવી છે.

ઓક્ટોબર 2017એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કરીને નવા એરપોર્ટનું શિલારોપણ કર્યું હતું. આ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના સિવિલ એવિયેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એમઓયુ કરાયાં હતા.

LEAVE A REPLY

18 − 15 =