ફાઇલ ફોટો . (ANI Photo)

ગુજરાતમાં મંગળવાર, 11 જૂને ચાર દિવસ વહેલા નેઋત્યના ચોમાસાનું આગમન થયું હતું. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી પસાર થઈને ચોમાસું આગળ વધ્યું હતું, એમ હવામાન વિભાગ (આઇએમડી) અમદાવાદના અધિકારીએ જણાવ્યું હતું. ચોમાસાના વિધિવત આગમન પહેલાના બે દિવસ દરમિયાન રાજ્યના 72 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

IMD અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ચોમાસું સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવે છે. તમામ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની ધારણા છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)એ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 1-40 મિમી સુધીનો વરસાદ પડ્યો હતો.આ સમયગાળા દરમિયાન મહીસાગર જિલ્લાના સંતરામપુર અને પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 40 અને 27 મીમી વરસાદ નોંધાયો હતો.

આઈએમડીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વીજળીના ચમકારો અને તોફાની પવન સાથે હળવા વરસાદની ધારણા છે. પવનની સ્પીડ પ્રતિ કલાક 30થી 40 કિમી રહેવાની ધારણા છે.

IMDએ અગાઉ જણાવ્યું હતું કે ભારતમાં જૂનમાં સામાન્ય વરસાદ (166.9 મીમીની લાંબા ગાળાની સરેરાશના 92-108 ટકા) થવાની સંભાવના છે.

સોમવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થયો હતો.

ગુજરાત છેલ્લા ઘણા દિવસોથી તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યું છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આ સમયગાળા દરમિયાન 90 મીમી વરસાદ નોંધાયો હતો, જે રાજ્યમાં સૌથી વધુ હતો. SEOCના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ગુજરાતના 72 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.અમદાવાદ શહેરમાં પણ રવિવારે મોડી સાંજે હળવો વરસાદ પડ્યો હતો, જેના કારણે રહેવાસીઓને તીવ્ર ગરમીમાંથી કામચલાઉ રાહત મળી હતી.IMD અપડેટ મુજબ રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સુરેન્દ્રનગર રાજ્યનો સૌથી ગરમ જિલ્લો હતો જેમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું,

 

LEAVE A REPLY