ગુજરાતમાં તાજેતરની પેટાચૂંટણીમાં જીતેલા શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ના પાંચ ધારાસભ્યોએ મંગળવારે ગાંધીનગરમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતાં. આની સાથે 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધી વિક્રમજનક 161 થઈ હતી

કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને આવેલા ચાર સહિત આ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તેમના કાર્યાલયમાં શપથ લેવડાવ્યાં હતાં.

ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી વિક્રમી 156 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી અને હવે વધુ પાંચ ધારાસભ્યો સાથે પક્ષની સંખ્યા વધી 161 થઈ  છે.

ધારાસભ્યો અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, અરવિંદ લાડાણી, ચિરાગકુમાર પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શપથ લીધા હતાં. ધર્મેન્દ્ર વાઘેલા વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય હતા, જ્યારે બાકીના ચારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમના નજીકના ભાજપના હરીફોને હરાવીને કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી. જોકે તેઓએ ડિસેમ્બર 2023 અને માર્ચ 2024 ની વચ્ચે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. તેમના રાજીનામાથી પોરબંદર, વિજાપુર, માણાવદર અને ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજાઈ હતી.

અર્જૂન મોઢવાડિયા પોરબંદરમાંથી 1.16 લાખથી વધુ મતોની સરસાઈથી જીત્યા હતાં. તેમણે કોંગ્રેસના રાજુ ઓડેદરાને મળેલા 16,355 સામે 1.33 લાખ મત મેળવ્યા હતાં. ચાવડાએ વિજાપુરથી કોંગ્રેસના દિનેશ પટેલને 56,000થી વધુ મતોથી હરાવ્યા હતા, જ્યારે લાડાણીએ કોંગ્રેસના હરીફ હરિભાઈ કણસાગરા સામે 31,000થી વધુ મતોના માર્જિન સાથે માણાવદર બેઠક જીતી હતી. ખંભાત અને વાઘોડિયાના ઉમેદવાર ચિરાગકુમાર પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પોતપોતાની બેઠક જાળવી રાખી છે.

 

LEAVE A REPLY