રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં નેશનલ હાઈવે પર બુધવાર વહેલી સવારે બસ સાથે ટ્રક અથડાતા ભાવનગરના ઓછામાં ઓછા 12 યાત્રાળુઓના મોત થયા હતા અને અને 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે બસ રાજસ્થાનના પુષ્કરથી ઉત્તર પ્રદેશના વૃંદાવન જઈ રહી હતી ત્યારે સવારે 4.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 7 મહિલા અને 5 પુરુષ હતાં.

આ યાત્રાળુઓ ભાવનગરથી બસમાં બેસીને મથુરા જઈ રહ્યાં હતાં. ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. તેથી ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી એ ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઊભેલા લોકોને કચડી નાંખ્યા હતા. અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકો ભાવનગર જિલ્લાના તાજલા તાલુકાના દિહોર ગામના 57 યાત્રાળુઓના ગ્રૂપનો ભાગ હતા. બસમાં ડ્રાઈવર, કંડક્ટર અને રસોઈયા સહિત 64 લોકો સવાર હતા. રાજસ્થાનના પુષ્કરની મુલાકાત લીધા પછી યાત્રાળુઓ ઉત્તર પ્રદેશના ગોકુલ-મથુરા જઈ રહ્યાં હતાં ત્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતાં.

સ્થાનિક મીડિયાના રીપોર્ટ મુજબ મૃતકોમાં અંતુભાઈ લાલજીભાઈ ગયાણી (55 વર્ષ), નંદરામભાઈ મથુરભાઈ ગયાણી (68 વર્ષ), લલ્લુભાઈ દયાભાઈ ગયાણી, ભરતભાઈ ભીખાભાઈ, લાલજીભાઈ મનજીભાઈ, અંબાબેન જીણાભાઈ, કંબુબેન પોપટભાઈ, રામુબેન ઉદાભાઈ, મધુબેન અરવિંદભાઈ દાગી, અંજુબેન થાપાભાઈ, મધુબેન લાલજીભાઈ ચૂડાસમા, કલુબેન ઘોયલનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ.4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000નું વળતર આપવાની જાહેરાત કરી હતી.

 

LEAVE A REPLY