(ANI Photo)
સન્ની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ‘ગદર’ રિલીઝ થયાના 22 વર્ષ પછી તેની સીક્વલ રીલીઝ થઇ છે. ફિલ્મના એક સીનમાં પાકિસ્તાની જનરલ તારા સિંહના પુત્રને કેદ કરીને તેને પડકારે છે. હવે આ સીક્વલ ફિલ્મમાં ઘણું નવું છે.
‘ગદર’ની કથા 1947ના ભારત-પાકિસ્તાનના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. જ્યારે ‘ગદર 2’ની વાર્તા 1971માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું એ પહેલાની છે. ગત ફિલ્મમાં તારા સિંહ મુસીબતોનો સામનો કરીને પત્ની સકીનાને પાકિસ્તાનથી પાછી લાવ્યો હતો. ‘ગદર 2’ની વાર્તાની વાત કરીએ તો, તારા સિંહ (સન્ની દેઓલ) અને સકીના (અમિષા પટેલ) ભારત પાછા આવીને ખુશીથી જિંદગી વિતાવી રહ્યા હોય છે.
તેમનો દીકરો ચરણજીત ઉર્ફે જીતે (ઉત્કર્ષ શર્મા) હવે મોટો થઈ ગયો છે. બીજી તરફ પાકિસ્તાનમાં મેજર જનરલ હામિદ ઈકબાલ (મનીષ વાધવા)માં બદલો લેવાની આગ ભભૂકે છે, કારણકે તારા સિંહ તેની રેજીમેન્ટના 40 જવાનોને મારીને સકીનાને ભારત લઈ ગયો હતો.
હામિદે સકીનાના પિતા અશરફ અલી (અમરીશ પુરી)ને તો ફાંસીની સજા કરી હતી પણ હવે તે તારા સિંહ સાથે બદલો લેવા ઇચ્ચે છે. એક દિવસ હામિદને પોતાની ઈચ્છા પૂરી કરવાની તક મળી જાય છે. એક ગેરસમજના કારણે તારા સિંહનો દીકરો પાકિસ્તાન પહોંચી જાય છે અને તેની ધરપકડ થાય છે. પોતાના દીકરાને છોડાવવા માટે તારા સિંહ ફરીથી એકવાર પાકિસ્તાન જવાનો નિર્ણય કરે છે. હવે આગળ શું થાય છે તે જાણવા ફિલ્મ જોવી રહી.
ફિલ્મની શરૂઆત નાના પાટેકરના અવાજ અને અગાઉની ફિલ્મના કેટલાક દૃશ્યો સાથે થાય છે. ઈન્ટરવલ પછી ફિલ્મની વાર્તામાં જોરદાર ટ્વિસ્ટ આવે છે અને સેકંડ હાફમાં વાર્તા ઝડપથી આગળ વધે છે. સની દેઓલ એક્શન ફોર્મમાં નજરે પડે છે. ક્લાઈમેક્સ પણ જોરદાર છે. ડાયરેક્ટર અનિલ શર્માએ ‘ગદર 2’માં ‘ગદર’ની યાદોને સુંદરતાથી રજૂ કરી છે. તેમણે ફિલ્મમાં એક્શન, ઈમોશન અને દેશભક્તિનો રંગ ભર્યો છે.
તારા સિંહના રોલમાં સની દેઓલ જોરદાર લાગે છે. સકીનાના રોલમાં અમિષા પટેલે પણ સારી એક્ટિંગ કરી છે. મેજર જનરલના રોલમાં મનીષ વાધવાએ જોરદાર અભિનય કર્યો છે. ‘ગદર’ના ગીતો ઉડ જા કાલે કાંવા… અને મેં નિકલા ગડ્ડી લેકે…. નવી ફિલ્મમાં પણ હિટ છે.ફિલ્મના અંતે સીક્વલની પણ સીક્વલની જાહેરાત કરવામાં આવી છે, એટલે ‘ગદર 3’ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

LEAVE A REPLY

12 − 7 =