રાજકારણમાં પ્રવેશની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલે સોમવારે જણાવ્યું હતું કે તેમને હજુ થોડા સમયની જરુર છે. જો પોતે રાજકારણમાં જોડાશે તો ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપી દેશે.

સમાજના લોકોની સેવા રાજકારણની જરૂરિયાત દર્શાવતા નરેશ પટેલે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં જોડાવા માગે છે, પરંતુ તે અંગેનો નિર્ણય તેઓ સમાજના આગેવાનોની સલાહ અનુસાર લેશે. હાલ સૌરાષ્ટ્રના ગામેગામમાં આ અંગે સરવે કરાવવામાં આવી રહ્યો છે, અને તેના આધારે તેઓ એપ્રિલના મધ્યમાં કે અંતમાં રાજકારણમાં જોડાવાનો નિર્ણય લેશે તેમ નરેશ પટેલે કહ્યું હતું.
તાજેતરમાં એવી જોરદાર અટકળો હતી કે આમ આદમી પાર્ટી નરેશ પટેલને પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે.

નરેશ પટેલે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હોવાની પણ ચર્ચા હતી. જોકે, આ અટકળો પર આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર થતાં જ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. હાર્દિક પટેલ પણ થોડા દિવસો પહેલા નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખૂલ્લું આમંત્રણ આપી ચૂક્યા છે. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ આશા છે કે નરેશ પટેલ ભાજપમાં જોડાશે.