ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોના વાયરસ સંક્રમણ અંગે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રવિવારે સવારે નવ વાગ્યાથી સોમવારે સવારે નવ વાગ્યા સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 5242 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં દેશમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. સોમવારના રોજ નવા કેસ સહિત સંક્રમીતોની કુલ સંખ્યા 96169 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે 157 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 2715 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.

96169 કોરોના વાયરસના તમામ કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોમાં ચીનને પછાડીને તેની આગળ નીકળી ગયો છે. ચીન તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે ત્યાં 82929 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 4633 લોકોના મોત નિપજી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કુલ 96169 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી 36824 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં 157 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 3029 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 56316 એક્ટિવ કેસ છે.દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 33053 કેસ નોંધાયા છે જેમાંથી 1198 લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11379 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 586 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ તમિલનાડૂમાં 11224, દિલ્હીમાં 10054, રાજસ્થાનમાં 5202, મધ્યપ્રદેશમાં 4977 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 4259 કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 47 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.