34 વર્ષ પછી નિવૃત્ત થયેલા હેરોના ભૂતપૂર્વ NHS કાર્યકર કંચનબેન ચાંદેગ્રાને નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં એકલા અને જીવનના અંતમાં પીડાતા દર્દીઓને કરુણાપૂર્ણ સાથ આપવા અને સહાય કરવા માટેના તેમના સમર્પિત સ્વયંસેવી કાર્યો માટે રાઇઝિંગ સ્ટાર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. લંડનમાં ફરક લાવનારી મહિલાઓની ઉજવણી કરવા બદલ તેમને લંડનના મેયર તરફથી આભાર માનતો પત્ર પણ મળ્યો છે.

71 વર્ષના કંચનબેન નિવૃત્તી બાદ ટૂંક સમયમાં જ હોસ્પિટલની બટરફ્લાય સ્વયંસેવકોની નાની ટીમનો ભાગ બન્યા હતા. તેઓ જેમના કોઈ સંબંધી કે મુલાકાતી ન હોય તેવા દર્દીઓ સાથે બેસવાની, સાથ આપવાની, હાથ પકડી નરમાશથી વાત કરવી અથવા જીવનના અંતની નજીક રહેલા લોકો માટે સંગીત વગાડવા સહિત મદદ કરવાના કાર્યો કરે છે.

ત્રણ બાળકોની માતા કંચનબેને કહ્યું હતું કે ‘’નાની ઉંમરે પોતાની બહેનને ગુમાવ્યા બાદ તેમની માતાએ “કોઈએ એકલા મરવું ન જોઈએ” એવી વિનંતીને અનુસરીને તેઓ સેવા કરે છે. આ પ્રતિબદ્ધતા આફ્રિકામાં દાદીની સંભાળ રાખવાના બાળપણના અનુભવો પરથી આવ્યા હતા.

તેઓ પોતાના સમુદાયમાં દાયકાઓથી બીજાઓને મદદ કરવા માટે જાણીતા છે અને બાળકોની સંભાળ રાખવાથી લઈને અંતિમ સંસ્કારનું આયોજન કરવા સુધીની મદદ કરે છે.

LEAVE A REPLY