ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે AIMIMના પ્રેસિડન્ટ ઔવેસીએ રવિવારે અમદાવાદમાં સીટીએમથી સાબરમતી રિવરફ્રન્ટ સુધીની એક રેલીનું અને રિવરફ્રન્ટ ખાતે એક સભાનું આયોજન કર્યું હતું (PTI Photo)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓનો પ્રચાર ચાલુ થઈ ગયો છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને હૈદરાબાદ સ્થિત અસાઉદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ ઝંપલાવ્યું છે. ઔવેસીએ અમદાવાદમાં સીટીએમથી સાબરમતી રિવરફ્રન્ટ સુધીની એક રેલીનું અને રિવરફ્રન્ટ ખાતે એક સભાનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ પણ રાજકોટ અને સુરતમાં જાહેરસભાનું આયોજન કર્યું હતું.

આ જાહેરસભામાં ઓવૈસીએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ ભારતીય બંધારણ સાથે હિન્દુત્વનો સામનો કરશે. AIMIM પર રાજકીય ષડયંત્રનો આક્ષેપ કરવામાં આવે છે. તેઓ રાષ્ટ્રવાદ મારફત હિન્દુ રાષ્ટ્રવાદનો સામનો કરશે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરઆરએસથી ભયભીત છે.

ઓવૈસીએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં કાયમ સક્રિય રહેશે. કોઇ ભેદ વિના મજબૂર લોકો માટે કામ કરશે. કોંગ્રેસ મજબૂત હોત તો હૈદરાબાદથી મારે અહીં ન આવવું પડ્યું હોત. મને ગમે તેટલી ગાળો આપો પણ મારી પ્રગતિ રોકી શકો નહીં. કોંગ્રેસ હાર્યા બાદ અમારા પર આક્ષેપ લગાવે છે. તેમજ આ અશાંત ધારો બંધારણ વિરુદ્વ છે તેમ જણાવ્યુ હતું.
ઓવૈસીની પાર્ટી ગુજરાતના આદિવાસી નેતા છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે મળીને આ ચૂંટણી લડી રહી છે. ઓવૈસીની સભામાં ભારે ભીડ ઉમટી હતી. એક તબક્કે બાઉન્સરો અને પોલીસ સાથે લોકોનું ઘર્ષણ પણ થયું હતું. આ સભામાં સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ થયું હતું.

આ સભામાં બીટીપીના મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચની સભામાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા લોકોથી જનતા પરેશાન થઈ ગઈ છે. મોંઘવારી વધી ગઈ છે. હવે બીટીપી અને AIMIM નગરપાલિકા, મહાનગરપાલિકા અને કેન્દ્ર દરેક જગ્યાએ જોવા મળશે.