FILE PHOTO: . Press Information Department (PID) Handout via REUTERS/

નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાને આર્થિક કટોકટી ટાળવા આકરા પગલાં લેવાનું ચાલુ કર્યું છે. સરકારે બુધવાર (18 મે)એ બિનજરૂરી અને લક્ઝરી આઇટમની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે, એમ મીડિયા રીપોર્ટમાં જણાવાયું છે. હાલમાં પાકિસ્તાનની વિદેશી હૂંડિયામણો ઝડપથી ઘટી રહી છે અને રૂપિયામાં ભારે ધોવાણ થયું છે. સૂત્રોના ટાંકીને જિયો ન્યૂઝે જણાવ્યું હતું કે વડાપ્રધાન શહેબાઝ શરીફે આમ આદમી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નથી, તેવી બિનજરૂરી આઇટમની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ડોલરના આઉટફ્લોને અંકુશમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન લક્ઝરી વ્હિકલ અને કોસ્ટેમિક્સ સહિતની બિનઆવશ્યક ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, જે માટે આદેશ જારી થઈ ગયા છે. વેપાર ખાધમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને સરકારના ગઠબંધન પક્ષો સાથે ચર્ચાવિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન શરીઝે માંદા અર્થતંત્રને બેઠું કરવા માટે આકરા નિર્ણયો લેવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાનના ચલણ સામે છેલ્લાં કેટલાંક સપ્તાહથી ડોલરમાં ધરખમ ઉછાળો આવ્યો છે અને હાલમાં ખુલ્લા બજારમાં તે રૂ.200ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જે ફાઇનાન્શિયલ માર્કેટમાં ટ્રેડર્સના વિશ્વાસમાં અભાવનો સંકેત આપે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફેડરલ બોર્ડ ઓફ રિવન્યૂ (એફબીઆર)એ કેટલીક આઇટમની ડ્યૂટીમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત હેઠળ મશીનરીની નિયમનકારી ડ્યૂટીમાં 10 ટકાનો અને હોમ એપ્લાયન્સિસની ડ્યૂટીમાં 50 ટકાનો વધારો કરાશે. 1,000સીસીથી વધુ ક્ષમતાની કાર પરની ડ્યૂટીમાં 100 ટકાનો વધારો કરશે. મોબાઇલ ફોન પરની ડ્યૂટીમાં રૂ.6,000થી 44,000 સુધીનો વધારો થશે.

પાકિસ્તાન માટે અટવાઈ પડેલા 6 બિલિયન ડોલરના એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (ઇએફએફ) પ્રોગ્રામને ફરી ચાલુ કરવા માટે બુધવાર (18મે)એ દોહામાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચેની મંત્રણા વચ્ચે પાકિસ્તાન સરકારે આ પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રોગ્રામ પાકિસ્તાનના નાણાભીડનો સામનો કરી રહેલા અર્થતંત્ર માટે મહત્ત્વનો છે.

પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્ક પાસેની ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વ ગયા સપ્તાહે વધુ 190 મિલિયન ડોલર ઘટીને 10.31 બિલિયન ડોલર થઈ હતી, જે જૂન 2022 પછીથી સૌથી નીચી છે. આટલી વિદેશી હૂંડિયામણથી તે વધુમાં વધુ 1.5 મહિના સુધી આયાત ચાલુ રાખી શકે તેમ છે.ડોલરમાં ઉછાળા અને સ્થાનિક ચલણમાં ભારે ધોવાણને કારણે ફુગાવામાં વધવાનું પણ જોખમ ઊભું થયું છે. ફુગાવામાંથી વધારાથી નીચલા અને મધ્યમવર્ગને ફટકો પડવાની ધારણા છે. રૂપિયામાં ભારે ધોવાણથી ઇકોનોમીના તમામ ક્ષેત્રને નુકસાન થવાની ધારણા છે. ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં વધારાથી આયાત બિલ બમણું થયું છે અને એકંદર આયાત પણ રેકોર્ડ હાઇ છે. એપ્રિલમાં આયાતમાં 72 ટકાનો ઉછાળો આવ્યો હતો, તેથી સરકાર પાસે વિદેશી એકાઉન્ટમાં સંતુલન રાખવાનું મુશ્કેલ બન્યું છે.