ફાઇલ ફોટો (ANI Photo)

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક ફટકો પડ્યો હતો. ગુરુવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને આ બંને પાટીદાર નેતાઓ હવે ભાજપમાં જોડાય તેવી અટકળો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં AAPમાં જોડાયા પછી અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા. જોકે આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી.

ધાર્મિક-અલ્પેશે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલ્યું હતું. આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરિયાને સ્ટાર પ્રચારક બનાવ્યા હતાં.

ગુજરાતમાં 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલની સાથે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જાણીતો ચહેરા બન્યાં હતાં. હાર્દિક જેલમાં ગયા પછી પાટીદાર અનામત આંદોલનની કમાન આ બંને નેતાએ સંભાળી હતી.

2022માં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. ભાવનગરના ગારીયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને બંનેને ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. અલ્પેશ કથરીયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા. અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ તેઓ સુરતના નાના વરાછા ખાતે રહે છે.

LEAVE A REPLY

nineteen + thirteen =