Ed Sheeran (Photo by Gareth Cattermole/Getty Images )

શનિવારે રાત્રે બકિંગહામ પેલેસ ખાતે સાંજની પ્લેટિનમ પાર્ટી દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ અને દેશની ટોચની હસ્તીઓ તરફથી સ્નેહભરી અંજલિ આર્પણ કરાઇ હતી.

સર એલ્ટન જ્હોન, જ્યોર્જ એઝરા, ક્રેગ ડેવિડ, ડ્યુરન ડ્યુરન, એલિસિયા કીઝ અને યુરોવિઝન રનર-અપ સેમ રાયડર, ડાયના રોસ, ક્વીન, સિંગર મેબેલ અને એલ્બો સહિતના સ્ટાર્સે લગભગ 22,000 લોકોની ભીડ સામે ગીત-સંગીતસભર કાર્યક્રમ રજૂ કર્યો હતો. અઢી કલાકના આ શોને ગ્રૂપ ક્વીન અને એડમ લેમ્બર્ટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કોન્સર્ટે બીબીસીના વર્ષના સૌથી મોટા પ્રમાણમાં પ્રેક્ષકોને આકર્ષ્યા હતા અને તે આંકડો 13.4 મિલિયનની ટોચે પહોંચ્યો હતો.

રાણી પોતાની અસ્વસ્થતાના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. જો કે મહારાણીએ પેડિંગ્ટન બેર સાથે ચા શેર કરતા હોય તેનો પ્રી-રેકોર્ડેડ કોમેડી સ્કેચ ફિલ્મ શેર કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

જેમાં પ્રિન્સ ચાર્લ્સે મહારાણીને શ્રદ્ધાંજલિ આપી તેમના સિંહાસન પરના સાત દાયકાના શાસનની સરાહના કરી હતી. પ્રિન્સ ઑફ વેલ્સે તેમની “મમ્મી” મહારાણીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે “તમે અમારી સાથે હસ્યા અને રડ્યા પણ છો અને સૌથી અગત્યનું એ છે કે તમે 70 વર્ષોથી અમારી સાથે છો. જનતાની સેવા કરવા તમે સવારે ઉઠો છો.’’

પ્રિન્સ ચાર્લ્સે કહ્યું હતું કે “આપણા બધા વતી, હું મહારાણીની જીવનભરની નિઃસ્વાર્થ સેવાને મારી પોતાની શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. ગયા વર્ષે મૃત્યુ પામેલા મારા પિતા, ડ્યુક ઓફ એડિનબરાનો આત્મા ત્યાં છે. મારા પપ્પાએ આ શોનો આનંદ માણ્યો હોત અને આપ દેશ અને આપના લોકો માટે જે સેવા કરવાનું ચાલુ રાખો છો તેની ઉજવણીમાં પૂરા દિલથી અમારી સાથે જોડાયા હોત. કોમનવેલ્થને સારા માટે એક મહત્વપૂર્ણ બળ બનાવ્યું છે. તમે અમારા મુશ્કેલ સમયમાં અમારી સાથે રહ્યા છો. અને તમે અમને ગૌરવ, આનંદ અને ખુશીની ક્ષણોની ઉજવણી કરવા માટે સાથે લાવ્યા છો.”

પ્રિન્સ વિલિયમે પણ આ કાર્યક્રમમાં પૃથ્વિ વિશે ચિંતા વ્યક્ત કરવા સાથે પરિવારના રેકોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે દેશની સુરક્ષા માટે લોકો એક થશે.

પર્યાવરણીય મુદ્દાઓને સંભાળતા પ્રિન્સ વિલિયમે જંગલો અને મહાસાગરોના ફોટોની પૃષ્ઠભૂમિ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘’રાણીના સમગ્ર જીવનકાળ દરમિયાન, કુદરતી વિશ્વ વધુ નાજુક બની ગયું હતું. રાણીએ વિશ્વની વધુ સારી રીતે કાળજી લેવા માટે દાયકાઓ વિતાવ્યા હતા. જો આપણે સાથે મળીને, માનવજાતની શ્રેષ્ઠતાનો ઉપયોગ કરીએ, અને આપણા ગ્રહને પુનઃસ્થાપિત કરીએ, તો આપણે તેને આપણા બાળકો – પૌત્રો અને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત કરીશું. ”

આ કાર્યક્રમમાં શાહી પરિવારના 30 થી વધુ સભ્યો હાજર હતા. પરંતુ પ્રિન્સ હેરી અને મેગન ગયા ન હતા.

ડ્યુક અને ડચેસ ઑફ કેમ્બ્રિજ અને તેમના બાળકો શાર્લોટ અને જ્યોર્જ આગળની હરોળમાં બેઠા હતા. જ્યારે વડા પ્રધાન બોરિસ જોન્સન અને તેમના પત્ની કેરી પાછળ બેઠા હતા. બકિંગહામ પેલેસના આગળના ભાગમાં રાણીના તેમના શાસનકાળ દરમિયાનના ફોટો પ્રસ્તુત કરાયા હતા.

બીબીસીએ જણાવ્યું હતું કે તેની પાસે કાર્યક્રમો દરમયાન પ્રેક્ષકોનો 74.3% હિસ્સો રહ્યો હતો તેમ જ બીબીસી વન પર દશર્વાયેલ પેલેસ ખાતેની પ્લેટિનમ પાર્ટી એ વર્ષનો અત્યાર સુધીનો સૌથી વધુ જોવાયેલ કાર્યક્રમ હતો.”