Prime Minister Modi's mother Shatayu Hiraba passed away
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબા મોદી 99 વર્ષના હતા. માતાના નિધનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે ગાંધીનગરમાં આવી પહોંચ્યા હતા. હીરાબાના અવસાનને પગલે ભારતના પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

હીરાબાએ અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે અંતિમશ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી. હીરાબા ગાંધીનગર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા અને તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

વડાપ્રધાન મોદીએ માતા હિરાબાના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં.ગાંધીનગરના સેક્ટર 30 સ્મશાનમાં હીરાબા પંચમહાભૂતમાં વિલીન થયા હતા. વડાપ્રધાન મોદી સહિતના ચારેય ભાઇએ મુખાગ્નિ આપ્યો હતો.

મોદીએ ટ્વીટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં છે. માતામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

હીરાબાના નિધનના અંગે શોક અને દુઃખ વ્યક્ત કરતાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી પૂજ્ય હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોની પ્રતિમૂર્તિ હતાં. ભગવાન તેમના આત્માને પરમશાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે, જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે.

ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીજીએ માતૃદેવોભવ’ની ભાવના કેળવી અને હીરાબાનાં મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યાં. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના!

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે હું તેમને અને તેમના પરિવારને મારી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનાં માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત આત્માને પાવન ચરણોમાં સ્થાન આપે. ઈશ્વર મોદીજી અને તેમના પરિવારના સભ્યોને દુઃખની આ ક્ષણોમાં હિંમત આપે.

કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દુઃખ અને શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હીરાબેન મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજીને તેમના પ્રિય માતાની ખોટ પર મોદીજી પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુ:ખની ઘડીમાં અમારી સંવાદનાઓ અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીએ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે એક પુત્ર માટે માતા જ સમગ્ર દુનિયા હોય છે. માતાનું નિધન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે એવી ખોટ છે. પીએમ મોદીજીનાં પૂજ્ય માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રીરામ દિવંગત પવિત્ર આત્માને તેમનાં પવિત્ર ચરણોમાં સ્થાન આપે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહે ટ્વીટ કર્યું હતું કે ભક્તિ, તપસ્યા અને કર્મની ત્રિવેણી. નરેન્દ્ર મોદીજી જેવા મહાન વ્યક્તિત્વનું સર્જન કરનારા માતાનાં ચરણોમાં નમન. આદરણીય માતા હંમેશાં પ્રેરણા બની રહેશે.

LEAVE A REPLY

5 + eleven =