MPs appeal to tackle racial disparity in deaths of pregnant women
Photo iStock

ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકોને જન્મ આપ્યા બાદ અશ્વેત મહિલાઓ અને ગરીબ વિસ્તારની મહિલાઓના “ભયાનક” ઊંચા મૃત્યુ દરને રોકવા માટે ઝડપી પ્રગતિ કરવા માટે સાસંદોની બનેલી મહિલા અને સમાનતા સમિતિએ અપીલ કરી છે.

સમિતિના અહેવાલમાં કહેવાયું છે કે જાતિવાદે આરોગ્યની અસમાનતાઓ ઊભી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ મૃત્યુ પાછળના ઘણા જટિલ કારણો હજુ પણ સંપૂર્ણ રીતે સમજી શકાયા નથી અને વધુ ભંડોળ અને મેટરનીટી સ્ટાફની જરૂર છે.

ઇંગ્લેન્ડમાં NHS એ જણાવ્યું હતું કે તે તમામ મહિલાઓ માટે પ્રસૂતિ સંભાળ સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તો સરકારે જણાવ્યું હતું કે તેણે મેટરનીટી વર્કફોર્સમાં £165 મિલિયનનું રોકાણ કર્યું છે અને મિડવાઇફરી ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા વર્ષના વધારાની 3,650 તાલીમાર્થી પદો ઉભા કરાયા છે.

2018-20ના યુકેના આંકડાઓ અનુસાર, શ્વેત સ્ત્રીઓ કરતાં અશ્વેત સ્ત્રીઓમાં બાળકને જન્મ આપ્યાના છ અઠવાડિયામાં મૃત્યુ થવાની શક્યતા લગભગ ચાર ગણી વધારે છે જ્યારે આ પ્રમાણ એશિયન સ્ત્રીઓમાં 1.8 ગણું વધુ છે. દેશના સૌથી ગરીબ વિસ્તારોમાંની મહિલાઓ, કે જ્યાં વંશીય લઘુમતીઓના બાળકોનો મોટો હિસ્સો જન્મે છે ત્યાં સૌથી અમીર લોકો કરતાં મૃત્યુની શક્યતા અઢી ગણી વધારે રહે છે.

સમિતિના અધ્યક્ષ કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે ‘’એનએચએસ હોસ્પિટલ્સમાં થતો જન્મ “વિશ્વમાં સૌથી સુરક્ષિત છે” પરંતુ અશ્વેત મહિલાઓનું જોખમ “આઘાતજનક” હતું અને વિવિધ જૂથો વચ્ચેની અસમાનતાઓમાં સુધારો ઘણો ધીમો હતો. તે સ્પષ્ટપણે શરમજનક છે કે અમે ઓછામાં ઓછા 20 વર્ષથી આ અસમાનતાઓ વિશે જાણીએ છીએ – તેને ઉકેલવા માટે બીજા 20 વર્ષ પણ ઓછા પડશે.”

ગર્ભાવસ્થા દરમિયાન અશ્વેત અને એશિયન સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓની જેમ જ પરંતુ વધુ વખત મૃત્યુ પામે છે. સૌથી સામાન્ય રીતે હૃદયની સમસ્યાઓ, લોહીનો ગંઠાવો, સેપ્સિસ અને આત્મહત્યાનો સમાવેશ થાય છે.

2018-20માં 20 લાખથી વધુ બાળકોને જન્મ આપતી મહિલાઓમાંથી 229 પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામી હતી. જે આંકડો દર 100,000 દીઠ 10.47ની બરાબર છે. આ આંકડો  2017-19માં 8.79 હતો. જો કે તે 15 વર્ષ પહેલાના દરો કરતા ઓછો છે. શ્યામ સ્ત્રીઓમાં આ દર 100,000 દીઠ 34નો, એશિયન મહિલાઓમાં 16, શ્વેત સ્ત્રીઓમાં 9નો અને ચીની મહિલાઓમાં 8નો છે.

તબીબી નિષ્ણાતો, સખાવતી સંસ્થાઓ, નિષ્ણાતો અને સરકારી મંત્રીઓ સાથે બે દિવસની મુલાકાતો બાદ સમિતિનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

ફાઈવ એક્સ મોર ચેરિટીના સર્વેક્ષણમાં 42 ટકાથી વધુ મહિલાઓએ તેમની પ્રસૂતિ સંભાળ દરમિયાન ભેદભાવ અનુભવ્યો હતો. તો બર્થરાઈટ ચેરિટીના એમી ગિબ્સે જણાવ્યું હતું કે અશ્વેત અને એશિયન મહિલાઓ તેમના પ્રસૂતિ-સંભાળ વિકલ્પોની પસંદગીના અભાવને કારણે અસુરક્ષિત અનુભવે છે. તો શ્યામ સ્ત્રીઓમાં કસુવાવડ 40 ટકા વધારે હોય છે.

LEAVE A REPLY

12 + 4 =