Rejecting Godrej's plea, the High Court termed the bullet train as a dream project
(ANI Photo)

ગોદરેજ એન્ડ બોયસ કંપનીની અરજી ફગાવી દેતા બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન દેશનો ડ્રિમ પ્રોજેક્ટ છે તથા તે રાષ્ટ્રીય મહત્ત્વનો અને જાહેર હિતનો પણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ માટે મુંબઈના વિક્રોલીમાં મહારાષ્ટ્ર સરકાર અને NHSRCLએ હાથ ધરેલી જમીન સંપાદનની કામગીરીને ગોદરેજે પડકારી હતી.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ તેના પ્રકારનો પ્રથમ છે તથા ખાનગી હિત સામે જાહેર હિત વધુ મહત્ત્વનું છે. એક વ્યક્તિના મૌલિક અધિકારો અને સામુહિક મૌલિક અધિકારો અંગેના સંઘર્ષના કિસ્સામાં અદાલતે બે વિરોધાભાસી અધિકારોને સંતુલિત કરતી વખતે વિશાળ જાહેર હિત ક્યાં છે તે તપાસવું પડે છે. સામૂહિક હિત સર્વોપરી છે. આ કેસ અરજદાર દ્વારા દાવો કરાયેલ ખાનગી હિત જાહેર હિત પર પ્રબળ નથી. જાહેર જનતાનું હિત આ દેશના ડ્રીમ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપે છે.

કોર્ટે જણાવ્યું હતું કે અમારી દૃષ્ટિએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, તેનાથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચેના કુલ 508.17 કિલોમીટરના રેલ ટ્રેકમાંથી લગભગ 21 કિલોમીટરનો ટ્રેક અંડરગ્રાઉન્ડ રાખવાની યોજના છે. ભૂગર્ભ ટનલનો એક એન્ટ્રી પોઇન્ટ વિક્રોલી (ગોદરેજની માલિકીની)માં જમીન પર પડે છે. રાજ્ય સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ દાવો કર્યો હતો કે કંપની જાહેર મહત્વના સમગ્ર પ્રોજેક્ટમાં વિલંબ કરી રહી છે. કોર્ટે કહ્યું હતું કે વાજબી વળતર ધારાની જોગવાઈઓ હેઠળ રાજ્ય સરકાર જમીન સંપાદન કામગીરી કરી શકે છે. કોર્ટે ગોદરેજની એવી દલીલ પણ ફગાવી દીધી હતી કે શરૂઆતમાં રૂ.572 કરોડનું વળતર નક્કી કરાયું હતું, પરંતુ પછીથી રૂ.264 કરોડ કરાયું છે. કોર્ટે જણાવ્યું હતું કે ખાનગી મંત્રણાના તબક્કામાં નક્કી કરાયેલા વળતરને અંતિમ ગણી શકાય નહીં, કારણ કે ખાનગી મંત્રણા આખરે નિષ્ફળ રહી હતી.

સત્તાવાળાએ જણાવ્યું હતું કે વિક્રોલી એરિયામાં ગોદરેજ એન્ડ બોયસ કંપનીની માલિકીની જમીન સિવાય  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના સમગ્ર લાઇનની જમીન સંપાદન કામગીરી પૂરી થઈ છે. વિક્રોલીમાં ગોદરેજની માલિકીની જમીન સંપાદનના મુદ્દે 2019થી સરકાર અને કંપની વચ્ચે કાનૂની વિવાદ ચાલે છે.

 

LEAVE A REPLY

4 × five =