ટીસીએસના સીઇઓ કે કૃતિવાસન

ભારતની સૌથી મોટી આઇટી કંપની TCSના નવ નિયુક્ત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કે કૃતિવાસને FY24માં રૂ.25 કરોડથી વધુનું તગડું વેતન મળ્યું હતું. રાજેશ ગોપીનાથનની આશ્ચર્યજનક એક્ઝિટ પછી કૃતિવાસને જૂન 2023માં ટાટા ગ્રૂપની આ IT કંપનીના વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમની નિમણૂક પાંચ વર્ષના સમયગાળા માટે છે.

કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ દરમિયાન કૃતિવાસને રૂ.1.27 કરોડનો પગાર મેળવ્યો હતો. આ ઉપરાંત રૂ.3.08 કરોડના લાભો અને ભથ્થાં હતાં તથા રૂ.21 કરોડનું કમિશન હતું.

રસપ્રદ બાબત એ છે કે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) એનજી સુબ્રમણ્યમને નાણાકીય વર્ષ દરમિયાન રૂ.26.18 કરોડનું વેતન મળ્યું હતું. ટૂંક સમયમાં કંપનીમાંથી નિવૃત્ત થઈ રહેલા  સુબ્રમણ્યમ આખું વર્ષ આ ભૂમિકામાં હતા. તેમના કુલ વેતનમાં  રૂ.1.72 કરોડનો પગાર, રૂ.3.45 કરોડ લાભો અને રૂ. 21 કરોડ કમિશનનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું હતું કે સીઓઓનું મહેનતાણું 8.2 ટકા વધ્યું છે. જોકે હોદ્દામાં ફેરફારને કારણે કૃતિવાસનની કમાણીમાં થયેલા વધારાની સરખામણી કરી શક્ય નથી.

CEO તરીકેની તેમની બે મહિનાની સેવામાં ગોપીનાથને રૂ.33.6 લાખનો પગાર અને રૂ.76.8 લાખ લાભો અને અન્ય ભથ્થા મળ્યાં હતા. સીઓઓનું મહેનતાણું કંપનીના કર્મચારીઓના સરેરાશ મહેનતાણું કરતાં 346.2 ગણું છે. કંપનીના કર્મચારીઓનો સરેરાશ પગાર 31 માર્ચ, 2024ના રોજ રૂ.6,01,546 હતું.અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ટોચના પર્ફોર્મર્સને ડબલ-ડિજિટ ઇન્ક્રીમેન્ટ સાથે વેતનમાં સરેરાશ વાર્ષિક વધારો 5.5-8 ટકાની રેન્જમાં હતો.

વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક ગતિવિધિઓના કારણે બિઝનેસ માટે નજીકના ગાળાની અનિશ્ચિતતા છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે મધ્યમથી લાંબા ગાળા દરમિયાન વૃદ્ધિની પૂરી સંભાવના છે. એકંદર આવક વૃદ્ધિ નાણાકીય વર્ષ 24માં ઘટીને 6.8 ટકા થઈ છે જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 17.6 ટકા હતી.

તેના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે GenAI ટેક્નોલોજી લગભગ દરેક સેક્ટર અને આગળ જતા દેશને અસર કરશે અને એન્ટરપ્રાઈઝ પહેલાથી જ ક્લાઉડ, ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટી પ્રોસેસિંગ પાવરમાં રોકાણ કરી ચૂક્યા છે.

LEAVE A REPLY

17 + eighteen =