પ્રતિકાત્મક તસવીર (આઇસ્ટોક)

અમેરિકાના ડોલર સામે ભારતના રૂપિયામાં સતત આઠમાં સેશનમાં ભારે ધોવાણ થયું હતું. ડોલર સામે રૂપિયો સોમવાર અને મંગળવાર (18-19 જુલાઈ)એ ઇન્ટ્રા-ડે પ્રથમ વાર 80ની મહત્ત્વની સપાટીથી નીચે ગબડ્યો હતો. ડોલર સામે રૂપિયાએ સોમવાર, 18 જુલાઇએ પ્રથમ વખત ઇન્ટ્રા-ડે 80ની મહત્ત્વની સપાટી તોડી હતી. ફોરેક્સ માર્કેટમાં અમેરિકન કરન્સી સામે ભારતીય ચલણ ગબડીને 80 થયા બાદ છેલ્લે 15 પૈસા ગબડીને 79.98એ બંધ આવ્યો હતો. વાયદામાં તો રૂપિયો 80.72 બોલાયો હતો.

19 જુલાઈએ પણ ફોરેક્સ માર્કેટ ખુલતાની સાથે રૂપિયો 80.06ની ઐતિહાસિક નીચી સપાટીએ સ્પર્શ્યો હતો, જોકે પછીથી તેમાં થોડો સુધારો થયો હતો અને 79.93એ ટ્રેડ થતો હતો. ચાલુ વર્ષના પ્રારંભથી ડોલર સામે રૂપિયો 7 ટકા તૂટ્યો છે. ડોલર સામે રૂપિયો 30 જૂને રૂ.78.94 હતો અને હવે 80ની સપાટીએ પહોંચ્યો છે.

ગયા સપ્તાહને અંતે 100 ડોલરની નીચે ગબડેલા બ્રેન્ટ ક્રૂડના ભાવ ફરીથી 100 ડોલરની ઉપર નીકળતા કરન્સી પર દબાણ આવ્યું હતું. સવારના સત્રમાં સ્થિર ખુલેલો રૂપિયો 79.76ની સપાટી જાળવી શક્યો નહોતો. ડોલર ઇન્ડેક્સ સાધારણ ઘટીને 107.45 રહેવા છતાં તેની પણ કોઈ પોઝિટીવ અસર નહોતી.

આગામી સપ્તાહમાં અમેરિકામાં ફેડ રિઝર્વની મીટિંગ મળી રહી હોવાથી ઉભરતા દેશોના ચલણો સતત દબાણ રહ્યું છે. અમેરિકામાં ફુગાવો 41 વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા ફેડ રિઝર્વ 0.75 ટકાનો વ્યાજદરમાં વધારો કરશે એવી શક્યતા છે. ભારતમાં પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં એમપીસીની બેઠક મળી રહી હોવાથી તેમાં પણ આકરા વ્યાજદરની સંભાવના છે.