ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ભારત શ્રીલંકા માટે સૌથી મોટા ધિરાણકર્તા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ભારતે 2022 ચાર મહિનામાં કટોકટીગ્રસ્ત શ્રીલંકાને 376.9 મિલિયન ડોલરની લોન આપી છે. આની સામે ચીને શ્રીલંકાને માત્ર 67.90 મિલિયન ડોલરની લોન આપી છે. ગયા મહિને શ્રીલંકાએ વિદેશી દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કર્યું હતું અને તેનો ફુગાવો લગભગ 50% વધી ગયો છે.

શ્રીલંકાના નાણામંત્રાલયના ડેટા અનુસાર ભારતે પહેલી જાન્યુઆરીથી 30 એપ્રિલ 2022 દરમિયાન શ્રીલંકાને 376.9 મિલિયનની લોન આપી છે, જે આ સમયગાળામાં સૌથી ઊંચું વિદેશી ફાઇનાન્સ છે.

ગંભીર આર્થિક પરિસ્થિતિને કારણે ભારે વિરોધ થયો હતો જેના કારણે પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હતા.2022 ના પ્રથમ ચાર મહિનામાં એટલે કે 30 એપ્રિલ સુધી ધિરાણની દ્રષ્ટિએ ભારત ધિરાણકર્તાઓની યાદીમાં ટોચ પર છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) આ સમયગાળામાં 35.96 કરોડ ડોલર સાથે બીજા નંબરની સૌથી મોટી ધિરાણકર્તા રહી હતી. તે પછી વિશ્વ બેંકે શ્રીલંકાને 6.73 કરોડ ડોલરની લોન આપી છે.

શ્રીલંકાના કામચલાઉ પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે રવિવારે દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. શ્રીલંકામાં લોકોનું વિરોધ આંદોલન રવિવારે 100મા દિવસે પહોંચી ગયું. આ આંદોલનથી એક પ્રેસિડન્ટ પદથી હટવા મજબૂર થવું પડ્યું. આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા શ્રીલંકામાં પહેલીવાર રાજપક્ષે સરકારે 1લી એપ્રિલે કટોકટી લગાવી હતી, જે પાંચ એપ્રિલે હટાવી દીધી હતી. 6 થી 20 મે સુધી બીજી વાર અને 13 જુલાઈએ ત્રીજા વાર કટોકટી લાગુ કરી હતી. શ્રીલંકામાં 20 જુલાઈએ પ્રેસિડન્ટ ચૂંટણી યોજાશે. રાનિલ વિક્રમસિંઘે, સાજિથ પ્રેમદાસા, અનુરા કુમારા દિસાનાયકે અને દુલાસ અલ્હાપ્પરુમાએ ફોર્મ ભર્યા છે.