(Photo by Rob Pinney/Getty Images)

– બાર્ની ચૌધરી દ્વારા

દેશમાં સાઉથ એશિયન સમુદાયના લોકોમાંથી લગભગ ત્રીસ ટકાએ રસીકરણ કરાવ્યું નથી અને તેથી તેઓ કોરોના વાઈરસની બિમારી સામે સુરક્ષિત નહીં હોવા વિષે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ ચિંતિત છે. ગરવી ગુજરાત સાથેની વાતચિતમાં તેમણે કહ્યું હતું કે, ખાસ તો પાકિસ્તાની બ્રિટિશ સમુદાયના લોકોના રસીકરણનું સ્તર ઓગસ્ટ મહિનાના અંતે ફક્ત 55 ટકાનું હતું. વ્હાઈટ ના હોય તેવા પ્રેસ અને બ્રોડકાસ્ટ ક્ષેત્રના પત્રકારો સાથેની એક ખાસ મુલાકાત દરમિયાન હેલ્થ સેક્રેટરીએ કહ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે વેક્સિન કામ કરે છે અને એકંદરે રસીકરણના મોરચે બ્રિટન મોખરે છે, પણ દેશમાં રસીકરણનું પ્રમાણ એકધારૂં નથી, અસામાન્ય સ્તરનું છે.

તમે વિવિધ સમુદાયોના સ્તરે રસીકરણનું પ્રમાણ જુઓ તો, બ્રિટનમાં એકંદરે રસીના બન્ને ડોઝ લઈ લીધા હોય તેવા લોકોની સરેરાશ 80 ટકા છે. પણ તેમાં ઈન્ડિયન બ્રિટિશર્સ સમુદાયમાં તે પ્રમાણ 70 ટકાનું છે, તો પાકિસ્તાની બ્રિટિશર્સના સમુદાયમાં તે 55 ટકા છે. છેલ્લા થોડા મહિનાઓમાં તેમાં ઘણો સુધારો પણ થયો છે, છતાં હું ચોક્કસપણે હજી વધુ લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા ઈચ્છું છું.

મારી અપીલ છે કે, તમે રસી લેવા પાત્ર છો, તો કૃપયા રસી લઈ લો. આપણે જાણીએ છીએ કે, રસી લેવાથી તમારો જ નહીં, તમારી આસપાસના લોકોનો પણ જીવ બચી શકે છે. તેમણે એનએચએસ સ્ટાફના કઠોર પરિશ્રમને સલામ કરી હતી, તો સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, સૌએ વેક્સિન લઈ લેવી જોઈએ એવો સરકારનો મેસેજ કેટલાક લઘુમતી સમુદાયો સુધી પહોંચાડી શકાતો નથી. બ્લેક વંશિય સમુદાયોનું પ્રમાણ યુકેની વસતીમાં લગભગ 14 ટકા છે, પણ કોવિડના કારણે ક્રિટિકલ કંડીશનમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડતા લોકોની સંખ્યામાં તેમનું પ્રમાણ 33 ટકા જેટલું છે. આ એક જ આંકડા કોરોના વાઈરસની બિમારી કેટલા અસમાન પ્રમાણમાં એ સમુદાયોને અસર થઈ છે તે દર્શાવે છે. યુકેનો વેક્સિન પ્રોગ્રામ આશ્ચર્યજનક છે, પણ રસી નહીં લેનારા લોકોની સંખ્યા આપણે જોઈએ તો અંદાજે 5.3 મિલિયન લોકોએ દેશમાં તેઓ રસી લેવા પાત્ર હોવા છતાં હજી રસી લીધી નથી. આ પણ ઘણો મોટો આંકડો છે.

સાજિદ જાવિદે પત્રકારોને એવો પ્રશ્ન કર્યો હતો કે, કેટલાક લઘુમતી જૂથો સાથે સરકાર કેમ સૂર મિલાવી શકતી નથી, ત્યારે પત્રકારોએ એવું કહ્યું હતું કે, કેટલાક એશિયન અને બ્લેક સમુદાયોને સરકારી તંત્ર ઉપર ભરોસો નથી.
આ વાતનો પડઘો બ્રિટિશ મેડિકલ એસોસિએશન (બીએમએ) ના ડૉ. ચાંદ નાગપૌલે પણ પાડ્યો હતો. તેમણે ગરવી ગુજરાત સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, આ વાત ઉલ્લેખનિય, મહત્ત્વની છે કે, સાજિદ જાવિદ બ્રિટનના પહેલા એથનિક માઈનોરિટી સમુદાયના હેલ્થ અને સોશિયલ કેર વિભાગના સેક્રેટરી છે.

આ સંજોગોમાં, તેમની પાસે એવું દર્શાવવાની એક જબરજસ્ત તક છે કે તેઓ આરોગ્ય અને કામકાજી વર્ગને લાગેવળગે છે ત્યાં સુધી વંશિય લઘુમતી સમુદાયને સ્પર્શતા મુદ્દાઓ, સમસ્યાઓ વિષે બરાબર સમજ ધરાવે છે.
તેમણે એવો અનુરોધ પણ કર્યો હતો કે, સાજિદ જાવિદના મગજમાં એ સ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ કે, બ્રિટનમાં આરોગ્ય ક્ષેત્રે પણ જે અસમાનતાઓ છે તેના મૂળ રેસિઝમમાં છે. બ્રિટિશ સમાજ, સમુદાય અસમાનતાઓથી, વંશવાદથી ગ્રસ્ત છે એવું તેમણે સ્વિકારવું જોઈએ. પણ એ બાબત ખેદજનક છે કે, સરકાર ખુલ્લા મને આ વાસ્તવિકતા વિષે વાકેફ હોવા છતાં તે સ્વિકારતી નથી. સાજિદ જાવિદે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવું જોઈએ એ વાત નકારી કાઢી હતી.