(PTI Photo)

ગુજરાત સરકારે કુલ છ સ્થળોએ સી-પ્લેન સેવા શરૂ કરવા તેમજ ગુજરાતને બે સી-પ્લેન આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે. અગાઉ સરકારે અમદાવાદના રીવરફ્રન્ટ થી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ કરી હતી, પરંતુ તેમાં અવરોધ આવ્યો હતો. રાજ્ય સરકાર ગુજરાતમાં અમદાવાદ રીવરફ્રન્ટ, કેવડિયા, પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઇ ડેમ અને સુરતના ઉકાઇ ડેમ જેવા સ્થળો સી-પ્લેન સુવિધાની યોજના ધરાવે છે.

રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સેવા ઝડપથી શરૂ થાય તે માટે સી-પ્લેનની માગણી કરવામાં આવી છે. રાજ્યમાં સૌ પ્રથમ સી-પ્લેન સુવિધા અમદાવાર રીવરફ્રન્ટ પરથી શરૂ કરવામાં આવી હતી પરંતુ સી-પ્લેન રિપેરિંગ માટે ગયું હોવાથી અત્યારે ગુજરાતમાં સી-પ્લેન નથી તેથી ગુજરાત સરકારે બે સી-પ્લેનની માગણી કેન્દ્ર સમક્ષ કરી છે.

તેમણે જણાવ્યું હતું સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર અને સાંજ માટેની બે ફ્લાઇટ સુવિધા શરૂ કરવા કેન્દ્રની પરવાનગી માગવામાં આવી છે. ઉતર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપ ઝડપથી શરૂ થાય તે હેતુસર જમીન સોપણી માટે કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે.