પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (PTI Photo)

ભારતની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ તેના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ છે. પક્ષના ઘણા નેતાઓ પાર્ટી છોડીને બીજા પક્ષમાં સામેલ થઈ રહ્યાં છે. આ સિલસિલાને આગળ વધારતા બુધવારે મેઘાલયમાં કોંગ્રેસના કુલ 18માંથી 12 ધારાસભ્યો મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવાનુ સપનુ જોઈ રહી છે ત્યારે મમતા બેનરજી કોંગ્રેસના નેતાઓને એક પછી એક ટીએમસીમાં સામેલ કરી રહ્યા છે. નોર્થ ઈસ્ટના રાજ્ય મેઘાલયમાં 18માંથી 12 કોંગ્રેસી ધારાસભ્યો ટીએમસીમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યપ્રધાન મુકુલ સંગમા પણ સામેલ છે.

મેઘાલયમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે.આ પૈકીના 40 ધારાસભ્યો એનડીએ સમર્થિત છે.જ્યારે કોંગ્રેસના 18 ધારાસભ્યો હતા.આ પૈકી 12 ટીએમસીમાં જોડાઈ જતા હવે કોંગ્રેસની છાવણી લગભગ ખાલી થઈ ગઈ છે. આ ધારાસભ્યોના જોડાવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. માત્ર મેઘાલયમાં જ નહીં કોંગ્રેસના નેતાઓ આખા દેશમાં પાર્ટી છોડી રહ્યા છે.2016 થી 2020 વચ્ચે કોંગ્રેસના 170 ધારાસભ્યો બીજી પાર્ટીઓમાં સામેલ થઈ ગયા છે.