ઝિમ્બાબ્વેમાં તાજેતરમાં એક વિમાન દુર્ઘટનામાં સોના, હીરા અને કોલસાની ખાણના ભારતીય મૂળના અગ્રણી બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર સહિત છ પ્રવાસીઓના મોત થયા હતા. રીઓઝીમ ફ્લાઇટ ગત શુક્રવારે વહેલી સવારે હરારેથી મુરોવા ડાયમન્ડ્સ ખાતે જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ વિમાનમાં હીરા લઇ જવામાં આવ્યા હતા અને તેમાં સવારે આઠ કલાકે ટેકનિકલ ખામી સર્જાતા તે પીટર ફાર્મમાં તૂટી પડ્યું હતું.
આ વિમાનમાં તમામ પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર્સના ઘટના સ્થળે મોત થયા હતા. ત્યાં એવું પણ જાણવા મળ્યું હતું કે, વિમાન જમીન પર પડતા અગાઉ તેમાં હવામાં ધડાકો થયો હતો.
માસવિંગો ફાયર બ્રિગેડના ઓફિસરોએ સ્થળ પર જઇને વિમાનના કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.
મશાવામાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની ઓળખ જાહેર કરવામાં આવી છે. જેમાં સોના, હીરા અને કોલસાની ખાણો ધરાવતા ભારતીય મૂળના અગ્રણી બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્રનો સમાવેશ થાય છે. તેમના મિત્રોએ ધ ન્યૂઝહોક્સ સાથે આ આઘાતજનક સમાચારની પુષ્ટિ કરી હતી. રંધાવા 4 બિલિયન ડોલરની જેમ હોલ્ડિંગ્સ કંપનીના સ્થાપક હતા અને તેઓ રીઓઝિમમાં મોટો હિસ્સો ધરાવતા હતા.

 

ઝિમ્બાબ્વે રીપબ્લિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વિમાન દુર્ઘટનામાં બે નાગરિકો ઝિમ્બાબ્વેના હતા અને અન્ય ચાર વિદેશી નાગરિક હતા. સફેદ અને લાલ રંગનું આ વિમાન મુરોવા ડાયમંડ કંપનીનું હતું અને તે 29 સપ્ટેમ્બરે સવારે 6 કલાકે હરારેથી રવાના થયું હતું, જે મશાવાથી અંદાજે છ કિલોમીટર દૂર 7.30થી 8 વાગ્યાની આસપાસ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં છ લોકોના મૃત્યુ થયા હતા.

LEAVE A REPLY