તમિલનાડુના વેલ્લોરમાં સોમવાર, 22 નવેમ્બર 2021ના રોજ ભારે વરસાદ બાદ જલકંદેશ્વર મંદિરની સંકુલમાં પાણી ભરાયા હતા. (PTI Photo)

બંગાળના અખાતમાં સર્જાયેલા હવાના દબાણને પગલે આવેલા મૂશળધાર વરસાદને કારણે ગયા સપ્તાહે દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે તારાજી સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું તથા બસ અને રેલવે વ્યવહારને અસર થઈ હતી. આંધ્રપ્રદેશમાં શનિવાર, 20 નવેમ્બરે આવેલા વરસાદને ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો લાપતા બન્યા હતા. આંધ્રપ્રદેશમાં જળાશયો છલકાઈ ગયા હતા અને ઘણા વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ આવ્યું હતું. રાજ્યનું ટેમ્પલ સિટી તિરુપતિ રવિવારે સતત ચોથા દિવસે સંપર્કવિહોણું બન્યું હતું.

આંધ્રપ્રદેશ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં રવિવાર, 21 નવેમ્બરે મૂશળધાર વરસાદને ખાબકતા ચેન્નાઇ, બેંગલુરુ સહિતના શહેરોમાં ભારે તારાજી સર્જાઈ હતી. સોમવારે બેંગલુરુના ઉત્તરના વિસ્તારો અને ચેન્નાઇના મનાલી વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા. તમિલનાડુની રાજધાનીના ઔદ્યોગિક વિસ્તાર મનાલીમાં ઘણા મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ચેન્નાઇમાં કેટલાંક વિસ્તારમાં લોકોને બચાવવા માટે હોળીની મદદ લેવી પડી હતી.

સત્તાવાળાએ સોમવારે જણાવ્યું હતું કે તમિલનાડુના થિરુવલ્લુર જિલ્લામાં પૂન્ડી ડેમમાંથી દર સેકન્ડ 3000 ક્યુબિક ફીટ પાણી છોડવામાં આવ્યું હતું અને તેનાથી આજુબાજુના વિસ્તારોમાં પૂરના ધસમસતા પાણી ફરી વળ્યા હતા. કોસાસ્થલૈયાર નદીમાંથી પાણી છોડવામાં આવતા ચેન્નાઇના ઉત્તરના ઘણા ભાગો પણ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. શનિવારે આંધ્રપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ આવ્યો હતો.

અલ્લાલસાન્દ્રા સરોવર છલકાઈ જતાં કર્ણાટકની રાજધાની બેંગુલુરુના કેટલાંક વિસ્તારોમાં પૂરી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઉત્તર બેંગલુરુમાં રસ્તા પર પાણી ભરાયા હતા. આંધ્રપ્રદેશના કડાપા અને અનંતપુરમુ જિલ્લાઓમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા હતા અને 17 લોકો લાપત્તા બન્યા હતા. અન્નામય્યા મીડિયમ ઇરિગેશન પ્રોજેક્ટમાંથી પાછી છોડવામાં આવેલા ચેય્યેરુ નદીના પટ પરના ત્રણ ગામોમાંથી 30થી વધુ લોકો તણાઈ ગયા હતા.